રેમન્ડના ચૅરમૅન અને એમડી ગૌતમ સિંઘાનિયાએ સોમવારે પત્ની નવાઝ મોદી સાથે ૩૨ વર્ષનું લગ્નજીવન પૂરું થયાની જાહેરાત કરી હતી.
રેમન્ડના એમડી ગૌતમ સિંઘાનિયા ૩૨ વર્ષ બાદ પત્નીથી અલગ થયા
મુંબઈ : રેમન્ડના ચૅરમૅન અને એમડી ગૌતમ સિંઘાનિયાએ સોમવારે પત્ની નવાઝ મોદી સાથે ૩૨ વર્ષનું લગ્નજીવન પૂરું થયાની જાહેરાત કરી હતી. ૫૮ વર્ષના અબજોપતિએ ૧૯૯૯માં સૉલિસિટર નાદર મોદીની પુત્રી નવાઝ મોદી સાથે લગ્ન કર્યાં હતાં.
ગૌતમ સિંઘાનિયાએ સોશ્યલ મીડિયા પર મૂકેલી પોસ્ટમાં લખ્યું હતું કે ‘આ દિવાળી ભૂતકાળનાં વર્ષો જેવી નહીં હોય. મારું માનવું છે કે નવાઝ અને હું અહીંથી અલગ-અલગ રસ્તે આગળ વધીશું. એક દંપતી તરીકે અમે ૩૨ વર્ષ સાથે રહ્યાં, માતા-પિતા તરીકે આગળ વધ્યાં અને હંમેશાં એકબીજાની તાકાત બનીને રહ્યાં. કમિટમેન્ટ, સંકલ્પ, વિશ્વાસ સાથેની અમારી સફર જીવનમાં બે સૌથી સુંદર ઉમેરા પણ લાવી.’
ADVERTISEMENT
ગૌતમ સિંઘાનિયાએ આગળ જણાવ્યું હતું કે તેમના વિશે કહેવાતા શુભેચ્છકોએ ઘણી અફવાઓ ફેલાવી હતી. પત્ની સાથે ડિવૉર્સ અંગે તેમણે લખ્યું કે ‘હું તેનાથી અલગ થઈ રહ્યો છું અને અમે અમારા બે કીમતી હીરા નિહારિકા અને નિસા માટે જે શ્રેષ્ઠ હશે એ કરતાં રહીશું. આ અંગત નિર્ણયનો આદર કરો અને આ સંબંધના દરેક પાસાના સમાધાનની જગ્યા આપો. આ સમય દરમિયાન સમગ્ર પરિવાર માટે તમારી શુભેચ્છાઓ માગીએ છીએ.’
ઉલ્લેખનીય છે કે આ પોસ્ટ મૂક્યાની થોડી મિનિટો પહેલાં જ ગૌતમ સિંઘાનિયાએ એક્સ અકાઉન્ટ પર તેમના ગ્રુપની રિયલ એસ્ટેટ શાખાનું
સમગ્ર મુંબઈમાં વિસ્તરણ થવા અંગે જણાવ્યું હતું.