૨૬/૧૧ના હુમલામાં ૪૦૦ કરોડનું નુકસાન થયું હોવા છતાં રતન તાતાએ હોટેલ તાજના કર્મચારીઓને ૩૬થી ૮૫ લાખ રૂપિયાની મદદ કરી હતી, કર્મચારીનું મૃત્યુ થયું હોવા છતાં તેની રિટાયરમેન્ટની ઉંમર સુધી સૅલેરી ચાલુ રાખી હતી
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં પાકિસ્તાનના ૧૦ આતંકવાદીઓએ ૨૦૦૮ની ૨૬ નવેમ્બરે હુમલો કર્યો હતો ત્યારે આતંકવાદીઓ હોટેલ તાજમાં પણ ઘૂસી ગયા હતા. આ હુમલામાં હોટેલ તાજના સ્ટાફને ગોળી વાગતાં કેટલાકનાં મૃત્યુ થયાં હતાં તો કેટલાકને ગંભીર ઈજા થઈ હતી. આતંકવાદીઓના આ હુમલાને લીધે હોટેલ તાજને ૪૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. આમ છતાં રતન તાતા હોટેલના કર્મચારીઓના પડખે અડીખમ ઊભા રહ્યા હતા. ગોળીબારમાં મૃત્યુ પામેલા કે ગંભીર રીતે ઘાયલ થયેલા કર્મચારીઓને રતન તાતાએ તેમના તાજ પબ્લિક સર્વિસ વેલ્ફેર ટ્રસ્ટના માધ્યમથી ૩૬ લાખ રૂપિયાથી લઈને ૮૫ લાખ રૂપિયાની મદદ કરી હતી એટલું જ નહીં, હુમલામાં ઘાયલ થયેલા સ્ટાફના ખબરઅંતર પૂછવા માટે હૉસ્પિટલમાં ગયા હતા. હુમલામાં જીવ ગુમાવનારા કર્મચારીને રતન તાતાએ એ કર્મચારીની રિટાયરમેન્ટની ઉંમર સુધી ફુલ સૅલરી આપી હતી અને તેનાં બાળકોને ક્વૉલિટી શિક્ષણ મળે એ માટેની વ્યવસ્થા પણ કરી હતી.
ભારત પરના સૌથી મોટા આતંકવાદી હુમલા બાદ પણ મુંબઈકરોએ એકતા દાખવી હતી અને ગણતરીના દિવસોમાં ઊભા થઈ હતા. રતન તાતાએ મુંબઈગરાઓના આ સ્પિરિટને હુમલાની બારમી તિથિએ ઇન્સ્ટાગ્રામમાં લખ્યું હતું કે ‘જે વિનાશ થયો એ ક્યારેય ભૂલી નહીં શકાય, પણ એનાથી પણ યાદગાર બાબત એ છે કે જે રીતે મુંબઈના રહેવાસીઓ સાથે આવ્યા એ કાબિલેદાદ છે.’