જમશેદપુરના ઉદ્યોગપતિનો છેલ્લાં ૬૦ વર્ષથી રતન તાતા સાથે ઘરોબો હતો : ૨૦૧૩માં તેમની ટ્રાવેલ-કંપનીને તાજ ગ્રુપ ઑફ હોટેલ્સની એક કંપની સાથે મર્જ કરવામાં આવી હતી
મોહિની મોહન દત્તા, રતન તાતા
ભારતના ટોચના ઉદ્યોગપતિ દિવંગત રતન તાતાએ તેમની ૧૫૦૦ કરોડ રૂપિયાની વસિયતમાંથી ત્રીજા ભાગની એટલે કે ૫૦૦ કરોડની મિલકત મોહિની મોહન દત્તા નામની વ્યક્તિના નામે કરવાનું વિલમાં કહ્યું છે. અજાણી વ્યક્તિના નામે રતન તાતાએ આટલી મોટી સંપત્તિ આપવાનું કહ્યું હોવાથી સૌ ચોંકી ઊઠ્યા છે. બધાના મનમાં સવાલ થઈ રહ્યો છે કે આ વ્યક્તિ છે કોણ? જમશેદપુરમાં રહેતા ૭૪ વર્ષના ઉદ્યોગપતિ મોહિની મોહન દત્તા ટ્રાવેલ ક્ષેત્રમાં કામ કરે છે. તેમનો પરિવાર સ્ટૅલિયન નામની એક ટ્રાવેલ-એજન્સી ચલાવતો હતો. એ એજન્સી ૨૦૧૩માં તાજ સર્વિસિસમાં મર્જ કરવામાં આવી હતી. તાજ સર્વિસિસ એ તાજ ગ્રુપ ઑફ હોટેલ્સનો એક ભાગ છે. સ્ટૅલિયન ટ્રાવેલ એજન્સીમાં મોહિની મોહન દત્તાનો ૮૦ ટકા અને તાતા ઇન્ડસ્ટ્રીઝનો ૨૦ ટકા હિસ્સો હતો. મોહિની મોહન દત્તાની એક પુત્રી તાજ હોટેલ્સમાં ૨૦૧૫ સુધી કામ કરતી હતી, જેણે બાદમાં તાતા ટ્રસ્ટમાં ૨૦૨૪ સુધી કામ કર્યું હતું. ગયા વર્ષે ડિસેમ્બરમાં રતન તાતાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોહિની મોહન દત્તાને આમંત્રિત કરવામાં આવ્યા છે. તેઓ રતન તાતાના ફૅમિલી-મેમ્બર જેવા છે. રતન તાતાનું ગયા વર્ષે મુંબઈમાં અવસાન થતાં તેમની અંતિમક્રિયામાં આવેલા મોહિની મોહન દત્તાએ કહ્યું હતું કે ‘હું રતન તાતાને ૬૦ વર્ષથી ઓળખતો હતો. અમારી પહેલી મુલાકાત જમશેદપુરમાં આવેલી ડીલરની હૉસ્ટેલમાં રતન તાતા ૨૪ વર્ષના હતા ત્યારે થઈ હતી. તેમણે મારી મદદ કરીને મારું ઘડતર કર્યું હતું.’

