નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સના સભ્ય રામદાસ આઠવલેએ કહ્યું હતું કે...
રામદાસ આઠવલે
બીજેપી અને શિવસેનાએ સાથે મળીને બનાવેલી રાજ્ય સરકારમાં હવે પ્રધાનમંડળનો વિસ્તાર થવાની ચર્ચા થઈ રહી છે ત્યારે રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા (આઠવલે) ગ્રુપના વડા રામદાસ આઠવલેએ કહ્યું હતું કે ‘હવે જ્યારે પ્રધાનમંડળનો વિસ્તાર થઈ રહ્યો છે ત્યારે અમારા વિધાનસભ્યોનો પણ વિચાર કરવો જોઈએ. અમારા વિધાનસભ્યોને પણ પ્રધાનમંડળમાં સ્થાન મળવું જોઈએ. એટલું જ નહીં, ૨૦૨૪માં જ્યારે લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે પણ કુલ ૪૮ બેઠકમાંથી ઍટ લીસ્ટ બે બેઠક પર અમને ઉમેદવારી મળવી જોઈએ. આ બાબતે મેં ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ સાથે વાત કરી છે અને ફરી પાછી કરીશું.’
નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સના સભ્ય રામદાસ આઠવલેએ કહ્યું હતું કે ‘અમે લોકસભા, વિધાનસભા અને બીએમસીની ચૂંટણીઓ પણ બીજેપી-શિવસેના સાથે મળીને લડીશું. લોકસભામાં ૨-૩ બેઠકો, જ્યારે વિધાનસભા માટે અમને ૧૦થી ૧૫ બેઠકો ફાળવવામાં આવે એવી અમારી માગણી છે.’
ADVERTISEMENT
...તો પૉલિટિક્સ છોડી દઈશ : અજિત પવાર
નાગપુરમાં ગયા અઠવાડિયે પાર્ટી વર્કર્સની મીટિંગમાં રાજ્યના ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ અને એનસીપીના નેતા અજિત પવારે કાર્યકરોને સંબોધતાં કહ્યું હતું કે ‘રાજ્યમાં ગયા વર્ષે સત્તાપલટો થયો ત્યારે ભ્રષ્ટાચારે એમાં મુખ્ય ભાગ ભજવ્યો હતો. રાજ્યની જનતા એ ગદ્દારોને બરોબરનો પાઠ ભણાવશે.’
જોકે તેમના આ સ્ટેટમેન્ટને લઈને હવે નાગપુરના શિવસેનાના સંસદસભ્ય કૃપાલ તુમનેએ એક ચૅનલને ઇન્ટરવ્યુ આપતાં કહ્યું હતું કે અજિત પવારને પહેલાં પૂછી આવો કે તેઓ રાજ્યના નાણાપ્રધાન હતા ત્યારે તેમણે કેટલાં ખોખાં લીધાં હતાં?
તેમના આ સ્ટેટમેન્ટ બાદ ભડકેલા અજિત પવારે કહ્યું હતું કે જો મારી સામેના ભ્રષ્ટાચારના આરોપ પુરવાર થશે તો હું પૉલિટિક્સ છોડી દઈશ. તેમણે કૃપાલ તુમનેને પડકાર ફેંકતાં કહ્યું હતું કે મારા પર મૂકેલા આરોપ પુરવાર કરો, નહીં તો આવતી કાલથી ઘરે બેસો.
નવા સંસદભવન બાબતે બધા સાથે ચર્ચા કરવી જોઈતી હતી : પવાર
ઔરંગાબાદમાં મહાત્મા ગાંધી મિશન યુનવિર્સિટીમાં મંગળવારે આયોજિત કરાયેલી સૌહાર્દ બેઠકમાં હાજરી આપનાર એનસીપીના વડા શરદ પવારે કહ્યું હતું કે ‘નવા સંસદભવન (વિસ્ટા)ની બાબતે બધી પાર્ટીઓ સાથે સંવાદ સાધવાની જરૂર હતી. હવે સંસદીય બાબતોની ચર્ચા ઓછી થતી જાય છે. પહેલાં પણ રાજકીય પાર્ટીઓ વચ્ચે મતભેદ હતા, પણ વાત કરીને સંવાદ થકી એનો ઉકેલ લાવવમાં આવતો. મને ખબર નથી પડતી કે નવા સંસદભવન મકાનની જરૂર શી હતી? મને તો એ વિશે ખબર પણ નહોતી. અખબારમાં મેં એના ન્યુઝ વાંચ્યા હતા.’
કોઈનું પણ નામ ન લેતાં તેમણે કહ્યું હતું કે ‘સરકારના જ કી-પર્સન સંસદભવનમાં નિયમિત હાજરી આપતા નથી. તેઓ જ્યારે સંસદમાં આવે ત્યારે એ દિવસ વિશેષ બની જાય છે. સંસદ સૌથી ઉપર છે. જો એને યોગ્ય મહત્ત્વ નહીં અપાય તો લોકોમાં પણ એ બાબતે તેઓ જે ધારતા હોય એના પર અસર પડે છે.’

