સગાં ભાઈ-બહેન હોવા છતાં અલગ-અલગ શેલ્ટર હોમમાં રહેતાં ત્રણથી અઢાર વર્ષનાં ૫૫૦ ભાઈ-બહેનને એક પ્લૅટફૉર્મ પર લાવી યોજાશે અનોખી સિબ્લિંગ્સ મીટ અને રક્ષાબંધન પર્વની કરાશે અદ્ભુત ઉજવણી
દાદરના યોગી સભાગૃહમાં અનોખા રક્ષાબંધન પર્વની તૈયારીઓ થઈ ગઈ છે
એકબીજાથી દૂર મુંબઈના જુદા-જુદા શેલ્ટર હોમમાં રહેતાં ૫૫૦ જેટલાં ભાઈઓ-બહેનોનો આજે રક્ષાબંધનના પવિત્ર પર્વ પર દાદરમાં મેળાવડો યોજાશે. સગાં ભાઈ- બહેન હોવા છતાં અલગ-અલગ શેલ્ટર હોમમાં રહેતાં ત્રણથી અઢાર વર્ષનાં ભાઈ-બહેનને એક પ્લૅટફૉર્મ પર લાવી તેમની વચ્ચે બોન્ડિંગ મજબૂત કરવાના પ્રયાસના ભાગરૂપે સિબ્લિંગ્સ મીટ યોજાશે અને રક્ષાબંધન પર્વની ઉજવણી કરાશે.
અવર ચિલ્ડ્રન સંસ્થા દ્વારા આયોજિત અને વાશી પરિવાર ફાઉન્ડેશન સહિતની સંસ્થાઓના સહયોગથી દાદરના યોગી સભાગૃહમાં આજે યોજાનારા આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે દાદરના સેલ્ટર હોમમાં રહેતો ૧૧ વર્ષનો મહેશ (નામ બદલ્યું છે) અને પનવેલમાં રહેતી તેની ૧૨ વર્ષની બહેન સીમા (નામ બદલ્યું છે) બહુ જ ઉત્સુક છે.
ADVERTISEMENT
સીમાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા ભાઈને મળીને મને બહુ જ આનંદ થશે. રક્ષાબંધનનો તહેવાર ભાઈ સાથે ઊજવવા મળશે એથી હું રાજી-રાજી થઈ ગઈ છું. હું મારા ભાઈને ચાર મહિના પછી મળીશ.’
સીમાના નાના ભાઈ મહેશે ‘મિડ-ડે’ને કહ્યું કે ‘હું મારી બહેનને ચાર મહિના પછી મળીશ, એને લઈને હું બહુ જ ખુશ છું. મારી બહેન મને રાખડી બાંધશે. હું અને મારી બહેન સાથે બેસીને વાત કરીશું.’
મહેશ અને સીમા નાના હતાં ત્યારે તેના પિતા તેની માતાને છોડીને જતા રહ્યા હતા. તેની માતા બન્ને બાળકોને ઉછેરી ન શકે એવી સ્થિતિમાં હોવાથી હૈયા પર પથ્થર મૂકીને બન્ને બાળકોને નછુટકે શેલ્ટર હોમમાં મૂકવા પડ્યાં હતાં. આ પછી તેમનાં બીજાં લગ્ન થયાં હતાં. તેઓની દીકરી તેમના વગર રહી શકતી ન હોવાથી હવે દીકરી તેમની સાથે રહે છે.
અવર ચિલ્ડ્રન સંસ્થાના ટ્રસ્ટી ધનંજય મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈના ૩૫ આશ્રમમાં રહેતાં સગાં ભાઈઓ અને બહેનોને અમે એકઠાં કરીશું કે જેમના મધર અને ફાધર મૃત્યુ પામ્યાં હોય કે ડિવૉર્સ લીધા હોય અથવા સિંગલ પેરન્ટ હોય અને ભાઈ અને બહેનને અલગ-અલગ સેલ્ટર હોમમાં રહેવાનું થયું હોય અને વર્ષમાં ભાગ્યે જ મળી શકતાં હોય અથવા તો મળી શકતાં ન હોય તેવાં ભાઈ-બહેન એક છત નીચે મળી શકે એવો અમારો હેતુ છે. આ ભાઈઓ અને બહેનો તેમની વાત એકબીજા સાથે શૅર કરશે, સાથે રહેવા મળશે અને મન હળવું કરશે. આ ભાઈ-બહેનો અલગ-અલગ શેલ્ટર હોમમાં રહેતા હોવાથી તેમને મળવાના ચાન્સ ઓછા હોવાના કારણે વર્ષમાં અમારી સંસ્થા આ કાર્યક્રમ યોજે છે. આ બધાં ભાઈ અને બહેનો મળશે અને રક્ષાબંધન પર્વની ઉજવણી કરશે.’
વાશી પરિવાર ફાઉન્ડેશનનાં શ્વેતા ડોડેજાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ બાળકો નાના હોવાથી તેઓ એકબીજા સાથે મળશે, વાત કરશે અને તેમની વચ્ચે બોન્ડિંગ મજબૂત બનશે. અત્યારે આ બાળકો નાના છે, પરંતુ ૧૮ વર્ષ પછી પણ તેમની વચ્ચે ભાઈ-બહેનનો સંબંધ જળવાઈ રહે એટલે આ પ્રકારે કાર્યક્રમ યોજ્યો છે.’