મહિલાઓ પરના અત્યાચાર વિશે રાજ ઠાકરેએ કહ્યું...
રાજ ઠાકરે
બદલાપુરની સ્કૂલમાં બે માસૂમ બાળકીઓના વિનયભંગની ઘટના બાદ વિરોધ પક્ષો દ્વારા મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી નથી એટલે મહિલાઓ પર અત્યાચાર વધ્યા હોવાની ટીકા કરવામાં આવી રહી છે ત્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના ચીફ રાજ ઠાકરેએ ગઈ કાલે એક કાર્યક્રમમાં પોતાના સમર્થકોને સંબોધન કરતી વખતે કહ્યું હતું કે ‘મહિલાઓ પરના અત્યાચારના વધી રહેલા કેસ બાબતે હું પોલીસને જવાબદાર નથી માનતો. મહારાષ્ટ્રમાં કાનૂનનો ડર નથી એટલે આવી ઘટનાઓ બની રહી છે. પોલીસ પર સરકારનું જબરદસ્ત દબાણ હોય છે. લાઠીચાર્જ કે બીજી કોઈ પણ સ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસના હાથમાં કંઈ નથી. તમને લાગતું હશે કે રાજ ઠાકરે કંઈ પણ બોલે છે, પણ એવું નથી. હું આ વાત ખૂબ ગંભીરતાથી કહી રહ્યો છું. એક વખત રાજ ઠાકરેના હાથમાં મહારાષ્ટ્રની સત્તા આપો, સરકાર કેવી રીતે ચલાવવી જોઈએ એ હું ૪૮ કલાકમાં મહારાષ્ટ્ર સાફ કરીને બતાવીશ.’
રાજ ઠાકરેએ ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સ કરી હતી એમાં મહિલાઓ પરના અત્યાચાર અને રાજકારણ વિશે આ મુજબ કહ્યું હતું...
ADVERTISEMENT
• મહિલાઓ પર અત્યાચાર અત્યારે નહીં, લાંબા સમયથી થઈ રહ્યા છે. માત્ર બળાત્કારની વાત કરીએ તો ૨૦૧૭માં મહારાષ્ટ્રમાં ૪૩૨૦ મામલા પોલીસના ચોપડે નોંધાયા હતા. એમાં દર વર્ષે વધારો થતો ગયો છે. એ સમયે અત્યારની સરકાર નહોતી. ૨૦૨૦માં ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન હતા ત્યારે પણ બળાત્કારના ૪૮૪૬ કેસ સામે આવ્યા હતા. આથી કોઈ ગંભીર પ્રકારનો ગુનો બને તો સરકારને બદનામ કરીને રાજકારણ રમવું યોગ્ય નથી. ૨૦૨૩માં બળાત્કારના ૭૫૨૧ કેસ નોંધાયા હતા એટલે કે દરરોજ ૨૦ મામલા. બીજા અર્થમાં દર કલાકે એક મહિલા બળાત્કારનો ભોગ બને છે તો એના સમાચાર દર કલાકે આપવા જોઈએ. આવી ઘટનાને ચમકાવવાને બદલે મહિલાઓની સુરક્ષા વિશે શું થઈ શકે છે એની ચર્ચા થવી જોઈએ.
• મહારાષ્ટ્રમાં પક્ષોને ફોડવાનું કામ શરદ પવારે શરૂ કર્યું હતું. ૧૯૭૮માં તેમણે કૉન્ગ્રેસને ફોડી હતી અને બાદમાં બાળાસાહેબની શિવસેનામાં એકથી વધુ વખત ભંગાણ પડાવ્યું. હવે તેમના પક્ષમાં ભંગાણ પડ્યું છે ત્યારે પેટમાં દુઃખી રહ્યું છે.
• ૧૯૯૯માં શરદ પવારે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીની સ્થાપના કરી ત્યારથી મહારાષ્ટ્રમાં મહાનુભાવો અને સંતોની જાતિના પ્રશ્નો પેદા કરવામાં આવ્યા. જાતિ-જાતિ વિશે શરદ પવારે ઝેર વધાર્યું, જેને લીધે આજે મહારાષ્ટ્રમાં દલિતની દીકરી સાથે કોઈ જવા તૈયાર નથી એવી સ્થિતિ ઊભી થઈ છે.
• મરાઠી ભાષાને અભિજાત ભાષાનો દરજ્જો આપવો, મરાઠા સામ્રાજ્યનો ઇતિહાસ નાનપણથી દેશભરની સ્કૂલોમાં શીખવવામાં આવે, છત્રપતિ શિવાજી મહારાજનું અરબી સમુદ્રમાં સ્મારક બનાવવામાં આવે એવી માગણી વડા પ્રધાન સમક્ષ કરી હતી. વડા પ્રધાનને મળીને હું આ બાબતની યાદ અપાવીશ.