ધારાવીના રીડેવલપમેન્ટ બાબતે ઉદ્ધવ ઠાકરેએ મોરચો કાઢવા બાબતે ઉદ્ધવ અને રાજ ઠાકરે સામસામે આવી ગયા છે
શર્મિલા ઠાકરે
મુંબઈ: ધારાવીના રીડેવલપમેન્ટ બાબતે ઉદ્ધવ ઠાકરેએ મોરચો કાઢવા બાબતે ઉદ્ધવ અને રાજ ઠાકરે સામસામે આવી ગયા છે ત્યારે ગઈ કાલે રાજ ઠાકરેનાં પત્ની શર્મિલા ઠાકરેએ કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેએ તેમના ભાઈ પર વિશ્વાસ રાખ્યો હોત તો તેમણે મેં દિશા સાલિયન મામલામાં આદિત્ય ઠાકરે વિશે કહ્યું છે એ માટે આભાર ન માનવો પડત. ઉદ્ધવ ઠાકરેએ અમને આભાર માનવાનો મોકો જ આપ્યો નથી.
દિશા સાલિયન મૃત્યુ પ્રકરણની રાજ્ય સરકારે એસઆઇટી તપાસ શરૂ કરી છે એમાં રાજ ઠાકરેનાં પત્ની શર્મિલા ઠાકરેએ અગાઉ કહ્યું હતું કે મને નથી લાગતું કે આદિત્ય ઠાકરેએ કંઈ ખોટું કર્યું હોય. આ વિશે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘હું તેમનો (શર્મિલા ઠાકરેનો) આભાર માનું છું. મને એ વાતનું દુઃખ છે કે આ પ્રકરણ સાથે કોઈ લેવાદેવા ન હોવા છતાં એસઆઇટી તપાસ શરૂ કરવામાં આવી છે. અમારી પાસે પુરાવા છે એ મામલાની એસઆઇટી તપાસ કેમ નથી કરાવતા?’
ADVERTISEMENT
ઉદ્ધવ ઠાકરેએ આભાર માન્યો છે એ વિશે ગઈ કાલે શર્મિલા ઠાકરેએ કહ્યું હતું કે ‘આભાર માનવાની તક મને ઉદ્ધવ ઠાકરેએ ક્યારેય નથી આપી. કિણી મામલાથી લઈને આજ સુધી જ્યારે તેમને મોકો મળે છે ત્યારે તેઓ ચોંટિયા જ ભરે છે. તમે જે ભાઈ સાથે નાનપણથી મોટા થયા છે તેના પર થોડો વિશ્વાસ રાખ્યો હોત તો તમારે અમારો આભાર માનવાની ક્યારેય જરૂર જ ન રહેત. મેં તમારા પુત્ર આદિત્ય ઠાકરે કંઈ ખોટું ન કર્યું હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તમે તમારા ભાઈ પર કિણી પ્રકરણની મુશ્કેલી આવી હતી ત્યારે કેમ મદદ નહોતી કરી? તમે અઢી વર્ષ મુખ્ય પ્રધાન હતા ત્યારે કેમ ધારાવીના વિકાસનું કામ ન કર્યું? ધારાવીના વિકાસનું કામ સરકારે કરવું જોઈએ એમ તમને લાગતું હતું તો ત્યારે કેમ નિર્ણય નહોતો લીધો? તમને કોણે રોક્યા હતા? સારા નિર્ણય લેવામાં તમને કોઈ રોકતું હતું? અત્યારે બધી બાબતો માટે કોવિડનું કારણ આગળ ધરો છો. કોવિડના કેટલાક મહિના પહેલાં તમે સારો નિર્ણય લઈ શક્યા હોત.’
અજિત પવાર જૂથ આરએસએસના કાર્યક્રમમાં ન ગયું
રાષ્ટ્રીય સ્વયંસેવક દળ (આરએસએસ)ના નાગપુર ખાતેના મુખ્યાલય રેશીમબાગમાં ગઈ કાલે સંઘના સ્થાપક કે. બી. હેડગેવાર અને સરસંઘસંચાલક એમ. એસ. ગોવાલીકરના મેમોરિયલની મુલાકાત કરવા માટેનું આમંત્રણ બીજેપીએ પોતાની સાથે સરકારમાં સામેલ અજિત પવાર જૂથ અને એકનાથ શિંદે જૂથને આપ્યું હતું. સોમવારે બીજેપીના અનેક વિધાનસભ્યોએ રેશીમબાગની મુલાકાત લીધી હતી, પણ અજિત પવાર જૂથના વિધાનસભ્યોએ અહીં જવાનું ટાળ્યું હતું. આ વિશે અજિત પવાર જૂથના વિધાન પરિષદના નેતા અમોલ મિટકરીએ કહ્યું હતું કે ‘આરએસએસના મુખ્યાલયમાં આમંત્રણ મળ્યું હોવા છતાં ન જવાનો અમને અધિકાર છે. દરેક પક્ષનો વિશેષાધિકાર હોય છે કે એણે ક્યાં જવું અને કઈ જગ્યાએ જવાનું ટાળવું. અમને બીજેપીએ આમંત્રણ આપ્યું હતું, પરંતુ અમારામાંથી કોઈ ત્યાં નહોતું ગયું.’
જોકે સરકારમાં સામેલ એકનાથ શિંદે જૂથના નેતાઓ દીપક કેસરકર, ભરત ગોગાવલે, મનીષા કાયંદે સહિતના નેતાઓએ રેશીમબાગની મુલાકાત લીધી હોવાનું જાણવા મળ્યું હતું.
જાતિઆધારિત ગણતરી કરવાથી શું હાથ લાગશે?
વિવિધ રાજકીય પક્ષો દ્વારા બિહારની જેમ મહારાષ્ટ્રમાં પણ જાતિઆધારિત વસતિગણતરી કરવાની માગણી કરવામાં આવી રહી છે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શ્રીધર ગાડગેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘જાતિઆધારિત ગણતરી ન થવી જોઈએ. આવી ગણતરીથી શું હાથ લાગશે? આ પ્રકારની કવાયતથી વિવિધ જાતિના આંકડા હાથમાં આવવાથી કેટલાક લોકોને રાજકીય લાભ મળશે, પણ સામાજિક રીતે એ સારું નથી અને દેશની અખંડિતતા માટે પણ યોગ્ય નથી. અમારો સ્પષ્ટ મત છે કે દેશમાં અસમાનતા, દુશ્મની અને ઝઘડો ન રહેવાં જોઈએ. જાતિઆધારિત વસતિગણતરી સાથે આરક્ષણને કોઈ લેવાદેવા નથી.’
મરાઠા આરક્ષણ માટે ફેબ્રુઆરીમાં વિશેષ અધિવેશન
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે નાગપુરના અધિવેશનમાં જાહેરાત કરી હતી કે મરાઠા આરક્ષણ માટે ફેબ્રુઆરી મહિનામાં વિશેષ અધિવેશન બોલાવવામાં આવશે. મુખ્ય પ્રધાને કહ્યું હતું કે ‘ક્યુરેટિવ પિટિશન આશાનું કિરણ છે. આરક્ષણ આપવા માટેના બિલમાં જે ખામીઓ છે એ દૂર કરવાનો સરકાર પ્રયાસ કરી રહી છે. મરાઠા સમાજને કાયદાકીય રીતે ટકી શકે એવું આરક્ષણ આપીશું. ઓબીસી કમિશનનો અહેવાલ એક મહિનામાં આવશે. ત્યાર બાદ ફેબ્રુઆરી મહિનામાં વિશેષ અધિવેશન બોલાવીને અમે આરક્ષણ આપીશું.’
નાગપુરના શિયાળુ સત્રમાં આજે અંતિમ દિવસ છે. એ પહેલાં ગઈ કાલ સુધી અહીં મરાઠા આરક્ષણ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચામાં વિવિધ પક્ષના ૭૪ વિધાનસભ્યોએ ૧૭ કલાક અને ૧૭ મિનિટ ચર્ચા કરી હતી.