જેવાને તેવો નહીં પણ બમણો જવાબ આપીશું
રાજ ઠાકરે
શનિવારે રાતે થાણેમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના મહિલા સહિત પચાસેક કાર્યકરોએ ગડકરી રંગાયતનમાં સભા સંબોધવા જઈ રહેલા ઉદ્ધવ ઠાકરેની કાર પર બંગડી, છાણ અને નારિયેળ ફેંકીને વિરોધ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, મનસૈનિકોએ સભાના સ્થળે પહોંચીને બૅનરો ફાડી નાખ્યાં હતાં. આ મામલામાં પોલીસે ૩૨ મહિલા સહિત ૪૪ મનસૈનિકો સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ વિરોધ-પ્રદર્શન વિશે MNSના વડા રાજ ઠાકરેએ ગઈ કાલે મહારાષ્ટ્રની જનતાને સંબોધતી એક પોસ્ટ સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે ‘થાણેમાં ઉદ્ધવ ઠાકરેના વાહન પર મારા મહારાષ્ટ્રના સૈનિકોએ જે વિરોધ-પ્રદર્શન કર્યું એ ધારાશિવમાં મારી કાર પર સોપારી ફેંકવામાં આવી હતી એની પ્રતિક્રિયા હતી. મારી યાત્રા વખતે મરાઠા સમાજના નામે કેટલાક લોકોએ સૂત્રોચ્ચાર કર્યો હતો. બાદમાં ખ્યાલ આવ્યો હતો કે આ લોકો ઉદ્ધવ ઠાકરે જૂથના કાર્યકરો હતા. મેં શનિવારની પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે મારા નાદમાં ન લાગો, મારા મનસૈનિકો શું કરશે એ તમને ખબર પણ નહીં પડે. થાણેની પ્રતિક્રિયામાં આ જોવા મળ્યું. સસ્તી પબ્લિસિટી મેળવવા યાત્રામાં અડચણ ઊભી કરવામાં આવી. કેટલાક પત્રકારો અને ચૅનલ આવી વાતોને ચગાવે છે. મહારાષ્ટ્રના અસંખ્ય પ્રશ્નો છે એના પર આ મીડિયા ધ્યાન નથી આપતું. આ લોકો પોતાના ફાયદા માટે આવું કરતા હશે. મારે એની સાથે કોઈ લેવાદેવા નથી. MNSના કાર્યકરોએ અત્યાર સુધી કોઈ પર યોગ્ય કારણ વિના હુમલો કે વિરોધ નથી કર્યો. કોઈ ખોટી રીતે આવું કરશે તો સૌથી પહેલાં હું રોકીશ. જોકે અમારા પર કોઈ હુમલો કરશે કે અમને હેરાન કરવાનો પ્રયાસ કરશે તો તેમને તેમની જ ભાષામાં નહીં, પણ બમણો જવાબ આપવામાં આવશે. તેઓ એક મુક્કો ઉગામશે તો અમે બે મારીશું.’ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ થાણેની ઘટના વિશે ગઈ કાલે એક વાક્યમાં કહ્યું હતું કે દરેક ઍક્શનનું રીઍક્શન હોય છે એ થાણેમાં જોવા મળ્યું.