દાદરમાં શિવસેના ભવન સામે રાજ ઠાકરેને સવાલ કરતું બૅનર લગાડવામાં આવ્યું
સેનાભવનની સામે ગઈ કાલે લગાડવામાં આવેલું બૅનર.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ ગુઢી પાડવાની જાહેર સભામાં ગંગા નદીની શુદ્ધતા સામે સવાલ કર્યો હતો અને એ અગાઉ કુંભમેળામાંથી લાવવામાં આવેલા પાણીનું આચમન કરવાની ના પાડી દીધી હતી. ગંગાના પાણી વિશે બે વખત પોતાના વિચાર પ્રસ્તુત કરનારા રાજ ઠાકરેને સવાલ કરતું એક મોટું બૅનર ગઈ કાલે દાદરમાં આવેલા સેનાભવનની સામે લગાવવામાં આવ્યું હતું. આ બૅનર શિવસેનાના માહિમના ભૂતપૂર્વ વિધાનસભ્ય સદાનંદ સરવણકરના પુત્ર સમાધાન સરવણકરે લગાવ્યું હતું અને રાજ ઠાકરેને સવાલ કર્યો હતો.
બૅનરમાં ડાબી બાજુએ લખવામાં આવ્યું હતું કે ‘૧૪૪ વર્ષ બાદ દિવ્ય મહાકુંભ ઐતિહાસિક રીતે પાર પાડવામાં આવ્યો. ભારત જ નહીં, દુનિયાભરમાંથી ૬૬ કરોડથી વધુ હિન્દુઓએ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરીને અખંડ હિન્દુ એકતાનો વૈશ્વિક સંદેશો આપ્યો. કુંભમેળો માત્ર શ્રદ્ધાનું જ નહીં, હિન્દુ સંસ્કૃતિની ગૌરવશાળી ભવ્યતાનું પ્રતીક છે.’
ADVERTISEMENT
બૅનરની જમણી બાજુએ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો ગંગાસ્નાનનો મોટો ફોટો હતો. ઉપરાંત બૅનરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સહિત અનેક નેતા-અભિનેતાના ગંગામાં સ્નાન કરતા ફોટો મૂકવામાં આવ્યા હતા. આ ફોટોની સાથે લખવામાં આવ્યું હતું, ‘આ ક્ષણ અભિમાનની, આ ક્ષણ ગૌરવની, આ ક્ષણ હિન્દુ એકતાની. હર હર ગંગે. નમામી ગંગે. ગંગાજળ શુદ્ધ જ છે, પણ કેટલાકના વિચારોનું શું?’
સમાધાન સરમણકરે બૅનરના છેલ્લા વાક્યમાં રાજ ઠાકરેને સવાલ કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ બૅનર જોયા બાદ MNSના કાર્યકરો આક્રમક થઈ ગયા હતા અને તેમણે બૅનર દૂર કરવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.

