નવા બંધાઈ રહેલા ઇન્ટરનૅશનલ ઍરપોર્ટના નામ બાબતે સ્થાનિક રહેવાસીઓ અને શિવસેના વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે ત્યારે બાળાસાહેબના ભત્રીજાનું સૂચક વિધાન
રાજ ઠાકરે
નવી મુંબઈમાં બની રહેલા ઇન્ટરનૅશનલ ઍરપોર્ટના નામકરણ બાબતે સ્થાનિક રહેવાસીઓએ આજે સિડકોનો ઘેરાવ કરવાની જાહેરાત કરી છે. સત્તાધારી પક્ષ શિવસેનાએ આ ઍરપોર્ટને બાળાસાહેબ ઠાકરેનું નામ આપવાની ઘોષણા કરી દીધી છે ત્યારે સ્થાનિક રહેવાસીઓ તેના નેતા ડી. બી. પાટીલનું નામ આપવાની માગણી કરી રહ્યા છે. આવા સમયે બાળાસાહેબ ઠાકરેના ભત્રીજા રાજ ઠાકરેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘નવી મુંબઈનું ઍરપોર્ટ મુંબઈના ઇન્ટરનૅશનલ ઍરપોર્ટનું એક્સ્ટેન્શન છે. આથી તેનું નામ છત્રપતિ શિવાજી મહારાજનું જ રહેશે. મને નથી લાગતું કે આ નામ સામે કોઈને વાંધો હોય. આજે બાળાસાહેબ હોત તો તેમણે પણ છત્રપતિનું નામ જ સૂચવ્યું હોત.’
નવી મુંબઈના ઇન્ટરનૅશનલ ઍરપોર્ટના નામકરણના મુદ્દે તાજેતરમાં બીજેપીના વિધાનસભ્ય પ્રશાંત ઠાકુરે રાજ ઠાકરેની મુલાકાત લીધી હતી. તેમણે ડી. બી. પાટીલના નામ બાબતે સપોર્ટ કરવાની માગણી કરી હતી. રાજ ઠાકરેએ કહ્યું હતું કે ‘પ્રશાંત ઠાકુર મળીને ગયા. નવા ઍરપોર્ટને ડી. બી. પાટીલનું નામ આપવાની તેમની માગણી છે. રાજ્ય સરકાર બાળાસાહેબનું નામ આપવા માગે છે. એમાંથી બંને પક્ષે આ સંઘર્ષ ચાલી રહ્યો છે. મોરચા કાઢવાની સાથે ધરણાં ચાલી રહ્યાં છે. તેઓ મારો સપોર્ટ માગવા આવ્યા હતા. મેં તેમની વાત સામે હકીકત મૂકી હતી. સાંતાક્રુઝ ઍરપોર્ટ બન્યું હતું ત્યારે મુંબઈનો એટલો વિકાસ નહોતો થયો. બાદમાં ડેવલપ થયા પછી છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ નામકરણ થયું હતું. આ ઍરપોર્ટનું ડેવલપમેન્ટ કરનારી કંપની જીવીકે પાસેથી માહિતી મેળવી છે. તેમના કહેવા મુજબ નવી મુંબઈનું ઍરપોર્ટ કાર્યરત થઈ ગયા બાદ મુંબઈના અત્યારના ઍરપોર્ટ પરથી માત્ર ડોમેસ્ટિક ફ્લાઇટનું જ સંચાલન થશે, જ્યારે ઇન્ટરનૅશનલ ફ્લાઇટ નવા ઍરપોર્ટથી ટેક-ઑફ કરશે. આથી નવું ઍરપોર્ટ અત્યારના ઍરપોર્ટનું એક્સ્ટેન્શન જ છે એટલે એનું નામ છત્રપતિ શિવાજી મહારાજ જ રહેશે. મને નથી લાગતું કે કોઈને છત્રપતિના નામ સામે વાંધો હોય.’
ADVERTISEMENT
રાજ ઠાકરેએ ઉમેર્યું હતું કે ‘બાળાસાહેબ આદરણીય છે તો ડી. બી. પાટીલ પણ વરિષ્ઠ નેતા હતા. જોકે આ બંનેને બદલે નવું ઍરપોર્ટ છત્રપતિ શિવાજી મહારાજના નામે ઓળખાય એવી શક્યતા વધુ છે, કારણ કે તે એક્સ્ટેન્શન હોવાની સાથે એને નામ આપવાની સત્તા કેન્દ્ર સરકાર પાસે છે. ઍરપોર્ટ બનવામાં હજી પાંચ વર્ષ લાગશે તો અત્યારથી નામકરણ બાબતે જેમને જે કરવું હોય તે કરવા દો. નામનો આ વિવાદ જાણી જોઈને કરાઈ રહ્યો છે કે કેમ એ ખબર નથી, પણ હકીકત એ છે કે એનું નામ છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ જ રહેશે. બાળાસાહેબ હયાત હોત તો તેઓ ખુદ આ જ નામ આપવાનું કહેત.’
આ પહેલાં રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના નેતા છગન ભુજબળે ઍરપોર્ટને જેઆરડી તાતાનું નામ આપવાની ભલામણ કરી હતી. તાતા પરિવાર તરફથી પણ આ જ માગણી કરવામાં આવી છે.