રાજ્યમાં ખોક્યાભાઉની ચર્ચા ચાલી રહી છે ત્યારે રાજ ઠાકરેએ કહ્યું…
રાજ ઠાકરે
મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય સુરેશ ઘસના કાર્યકર સતીશ ભોસલે ઉર્ફે ખોક્યાભાઈની ચર્ચા છે. શિરુરમાં ઢાકણે કુટુંબની મારપીટ કર્યા બાદ સતીશ ભોસલેની બાદમાં ધરપકડ કરવામાં આવી હતી. સતીશ ભોસલેના અનેક વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા છે જેમાં તે રૂપિયા અને આલીશાન કારનું પ્રદર્શન કરતો જોવા મળ્યો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પદાધિકારીઓની ગઈ કાલે આયોજિત બેઠકમાં રાજ ઠાકરેએ ખોક્યાભાઉની ચાલી રહેલી ચર્ચા વિશે કહ્યું હતું કે ‘એક ખોક્યાભાઉ લઈને શું બેઠા છો, આખી વિધાનસભા ખોક્યાભાઉથી ભરેલી છે. મૂળ વિષય બાજુએ રહી જાય છે અને તમને ભળતા જ વિષયમાં ભેરવી દેવામાં આવે છે. મુંબઈમાં કેટલીક નવી પદરચના અમે કરી છે. એમાં પહેલી વખત મુંબઈમાં શહેરઅધ્યક્ષ અને ઉપશહેરઅધ્યક્ષનાં પદ બનાવવામાં આવ્યાં છે. અત્યાર સુધી પક્ષમાં માત્ર વિભાગાધ્યક્ષ જ હતા. કોણે શું કામ કરવાનું છે એ હું બીજી એપ્રિલે કહીશ. બધી વાત લેખિતમાં જણાવવામાં આવશે.’
રાજ ઠાકરેએ સંદીપ દેશપાંડેને MNSના શહેરઅધ્યક્ષ તરીકે તો પુત્ર અમિત દેશમુખને શાખાઅધ્યક્ષ તરીકેની જવાબદારી ગઈ કાલે સોંપી હતી.

