MNSના પદાધિકારીઓની મળેલી મીટિંગમાં રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પર આ આરોપ કરવામાં આવ્યો
રાજ ઠાકરે અને એકનાથ શિંદે
રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના મુંબઈ સહિત રાજ્યના મુખ્ય પદાધિકારીઓની ગઈ કાલે શિવાજી પાર્કમાં આવેલા રાજ ઠાકરેના નિવાસસ્થાન શિવતીર્થમાં મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીની તૈયારી બાબતે એક મહત્ત્વની બેઠક આયોજિત કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ આ બેઠકમાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી વખતે MNSને મહાયુતિમાં સામેલ કરવા માટે ભારતીય જનતા પાર્ટી તૈયાર હતી, પણ એકનાથ શિંદેની ઇચ્છા નહોતી એટલે સામેલ નહોતી થઈ શકી એવો આરોપ કરવામાં આવ્યો હતો.
વિધાનસભાની ચૂંટણીમાં રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે સહિત પક્ષના તમામ ઉમેદવારોએ હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે આ ચૂંટણીને ભૂલી જઈને હવે મહાનગરપાલિકાની ચૂંટણી માટેની તૈયારીમાં લાગી જવાની સૂચના રાજ ઠાકરેએ પદાધિકારીઓને આપી હોવાનું જાણવા મળ્યું હતું.