એમએનએસના અધ્યક્ષે ટ્વીટ કરીને પક્ષના કાર્યકરોને કહ્યું કે કોઈએ મહાઆરતી ન કરવી, આગળ શું કરવાનું છે એ હું કહીશ
રાજ ઠાકરે
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ રવિવારની સભામાં મસ્જિદ પરનાં લાઉડસ્પીકરો હટાવવાનું અલ્ટિમેટમ આપ્યા બાદ ગઈ કાલે એક મહત્ત્વનો નિર્ણય લીધો હતો. તેમણે આજે અખાત્રીજ નિમિત્તે રાજ્યભરમાં આયોજિત મહાઆરતી રદ કરવાનો આદેશ ટ્વીટના માધ્યમથી કાર્યકરોને આપ્યો હતો. મુસ્લિમોની રમજાન ઈદમાં અડચણ ન આવે એ માટે તેમણે આ નિર્ણય લીધો હોવાનું કહ્યું હતું. ટ્વીટમાં રાજ ઠાકરેએ લખ્યું હતું કે ‘કોઈ પણ મહાઆરતી ન કરતા. આગળ શું કરવાનું છે એ હું બાદમાં કહીશ.’
રાજ ઠાકરેએ મસ્જિદો પરનાં લાઉડસ્પીકરો હટાવવામાં નહીં આવે તો એમએનએસની દરેક શાખામાં હનુમાન ચાલીસા વગાડવાની સાથે મહાઆરતી કરવાનો નિર્ણય લીધો હતો. રાજ ઠાકરેએ ટ્વીટ કરીને કાર્યકરોને માહિતી આપી હતી કે ‘રમજાન ઈદ છે. કોઈના પણ તહેવારમાં આપણે અડચણ પેદા નથી કરવી. આ હેતુથી રાજ્યભરમાં થનારી મહાઆરતી કરવાનો નિર્ણય પાછો ખેંચાયો છે.’
ADVERTISEMENT
રાજ ઠાકરેએ ગઈ કાલે કરેલી ટ્વીટમાં લખ્યું હતું કે ‘આવતી કાલે ઈદ છે. ગઈ કાલની સંભાજીનગરની સભામાં એ બાબતે મેં ઉલ્લેખ કર્યો હતો. મુસ્લિમ સમાજનો આ તહેવાર આનંદથી ઊજવાવો જોઈએ. પહેલેથી નક્કી કરાયા મુજબ અખા ત્રીજ પણ આ જ દિવસે આવતી હોવાથી આ તહેવારમાં કોઈ પણ સ્થળે આરતી ન કરતા. આપણે કોઈના તહેવારમાં કોઈ બાધા લાવવી નથી. લાઉડસ્પીકરનો વિષય ધાર્મિક નહીં પણ સામાજિક છે અને એ બાબતે આપણે આગળ શું કરવાનું છે એ હું આવતી કાલે મારા ટ્વીટથી તમને જાણ કરીશ.’