વિધાનસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના ૨૦૦થી ૨૨૫ બેઠક પર લડશે એવી ગુગલી પણ ફેંકી અને પેટછૂટી કબૂલાત પણ કરી રાજ ઠાકરેએ
રાજ ઠાકરે
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ની બાંદરાના રંગશારદા સભાગૃહમાં ગઈ કાલે યોજાયેલી કાર્યકરોની બેઠકમાં પક્ષના વડા રાજ ઠાકરેએ કાર્યકરોને સંબોધિત કરતાં કહ્યું હતું કે ‘લોકસભાની ચૂંટણી પહેલાં દિલ્હીમાં કેન્દ્રીય પ્રધાન અમિત શાહને મળ્યો ત્યારે મેં તેમને કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેનું જે કરવું હોય એ કરો, પણ ચૂંટણીમાં બાળાસાહેબને વચ્ચે નહીં લાવતા; મહારાષ્ટ્રમાં આજે પણ બાળાસાહેબને ચાહનારો મોટો વર્ગ છે એટલે ચૂંટણીમાં એની અસર જોવા મળશે. શિવસેનાના ભાગલા થયા ત્યાં સુધી ઠીક હતું, પરંતુ પક્ષ અને ધનુષબાણ ઉદ્ધવ ઠાકરે પાસેથી આંચકી લેવામાં આવ્યાં એ મહારાષ્ટ્રની જનતાને પસંદ નથી આવ્યું. લોકસભાની ચૂંટણીમાં મહાવિકાસ આઘાડીને જે મત મળ્યા છે એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિરોધમાં મળ્યા છે. શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT) પક્ષને અપેક્ષા પ્રમાણે મરાઠી મતદારોએ ઓછા મત આપ્યા હતા, પરંતુ મુસ્લિમોએ મોટા પ્રમાણમાં મત આપ્યા હોવાથી તેમને સફળતા મળી છે.’
પક્ષના પદાધિકારીઓ અને કાર્યકરોને કરેલા સંબોધનમાં રાજ ઠાકરેએ કહ્યું હતું કે ‘આપણે વિધાનસભાની ચૂંટણીમાં કેટલી બેઠકો પર લડવું એનો સવાલ હશે. કેટલાક લોકોએ અફવા ફેલાવી છે કે MNSએ સત્તાધારી મહાયુતિ પાસેથી ૨૦ બેઠકોની માગણી કરી છે. આપણે કેટલી બેઠકો લડવી એ નક્કી કરનાર એ લોકો કોણ? આપણો સ્વતંત્ર પક્ષ છે અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ૨૦૦થી ૨૨૫ બેઠકો પર લડીશું.’
ADVERTISEMENT
રાજ ઠાકરેએ આ બેઠકના અંતે વરલી વિધાનસભામાંથી આદિત્ય ઠાકરે સામે સંદીપ દેશપાંડે ચૂંટણી લડશે એવી જાહેરાત કરી હતી. માહિમની બેઠક પર નીતિન સરદેસાઈ અને શિવડીમાંથી બાળા નાંદગાંવકરને પણ ચૂંટણીના મેદાનમાં ઉતારવાનો તખતો તૈયાર કરવામાં આવી રહ્યો છે.