જેમના ભાષણથી વિરોધીઓ થથરે છે એ એમએનએસના અધ્યક્ષ રાજ ઠાકરેએ સ્પષ્ટતા કરી છે કે હું જાહેર સભામાં બોલવા જઉં એ પહેલાં મારી હાલત કફોડી હોય છે
ફાઇલ તસવીર
એમએનએસના અધ્યક્ષ રાજ ઠાકરેનું ભાષણ સૌના કેન્દ્રસ્થાને હોય છે. તેઓ જાહેર સભામાં શું બોલશે એના પર સૌની મીટ મંડાયેલી હોય છે. જોકે ખુદ રાજ ઠાકરેએ કહ્યું છે કે તેઓ ભાષણ આપવા જાય છે ત્યારે તેમના હાથ-પગ ઠંડા પડી જાય છે. આજે ઔરંગાબાદમાં રાજ ઠાકરેની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે એના અમુક કલાક પહેલાં તેમણે આવી સ્પષ્ટતા કરી છે.
રાજ ઠાકરેએ એક મરાઠી ન્યુઝ-ચૅનલના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ‘જાહેર સભાનું આયોજન થાય છે ત્યારે ભાષણ આપતાં પહેલાં પોતાની માનસિક સ્થિતિ કફોડી હોય છે. હાથ-પગ ઠંડા પડી જાય છે. પોતે શું બોલવાના છે એ પોતાને જ ખબર નથી હોતી.’
રાજ ઠાકરેનાં પત્ની શર્મિલા ઠાકરેએ કહ્યું હતું કે ‘જાહેર કાર્યક્રમમાં તેમને બોલવાનું હોય ત્યારે તેમની રૂમમાં હું કોઈને જવા નથી દેતી. તેઓ ભાષણની તૈયારી કરતા હોવાથી એમાં કોઈ ખલેલ ન પડે એનું હું ધ્યાન રાખું છું.’
ADVERTISEMENT
રાજ ઠાકરેએ વધુમાં કહ્યું હતું કે ‘હું ખૂબ જ વાંચું છે. આ વાંચનમાંથી જ મને જાહેર સભાના ભાષણના મુદ્દા મળી જાય છે. સ્ટેજ પર હોઈએ ત્યારે મગજમાં અનેક વિચાર આવતા હોય છે. એ સમયે હું શું બોલીશ એની ખબર નથી હોતી. એટલું જ નહીં મારી સામે એ સમયે કોણ છે એ પણ દેખાતું નથી.’