કેટલીક જગ્યાએ ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની સાથે ગાજવીજ અને કડાકાભડાકા સાથે વરસાદ પડવાની શક્યતા છે
લોઅર પરેલનો આ ફોટો સવારનો નહીં બપોરનો છે. ગઈ કાલે બપોરે પણ ધુમ્મ્સને લીધે વિઝિબિલિટી ઓછી હતી. જોકે જાણકારોનું કહેવું છે કે આ ધુમ્મસ શહેરમાં વધી રહેલા પ્રદૂષણને કારણે છે. (તસવીર-આશિષ રાજે)
હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ ગુરુવારથી લઈને રવિવાર દરમ્યાન રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. કેટલીક જગ્યાએ ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની સાથે ગાજવીજ અને કડાકાભડાકા સાથે વરસાદ પડવાની શક્યતા છે. આ વિશે માહિતી આપતાં હવામાન ખાતાના ડિરેક્ટર સુનીલ કાંબળેએ કહ્યું હતું કે ‘વાતાવરણના ઉપરના સ્તરમાં વિરુદ્ધ દિશાના પવનો એકબીજા સાથે અથડાઈ રહ્યા છે જે વાદળોનું ફૉર્મેશન કરે છે અને એના કારણે ગાજવીજ સાથે વરસાદ આવે છે. મુંબઈ અને કોંકણમાં એની અસર બહુ નહીં વર્તાય, પણ મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં એની અસર જોવા મળી શકે.’
એક બાજુ હાલ ઠંડીનો માહોલ છે અને મુંબઈમાં પારો નીચે જઈ રહ્યો છે. ગઈ કાલે સાંતાક્રુઝમાં પારો ૧૭.૨ ડિગ્રીએ પહોંચી ગયો હતો. એમાં પણ સવારના સમયે ધુમ્મસ રહે છે અને આખો દિવસ વાદળિયું હવામાન રહે છે. એમાં જો વરસાદી માહોલ સર્જાશે તો લોકોએ દિલ્હીની જેમ સ્વેટર અને મફલર કાઢવાં પડી શકે છે. જોકે વરસાદ પડે તો તેની આડઅસરરૂપે શાકભાજી અને અન્ય પાકને ખરાબ કરી શકે છે.