ગણેશોત્સવ દરમિયાન રેલવે સ્ટેશન પર લોકોની સુરક્ષા માટે રેલવે પોલીસ કરશે બૉડી-કૅમેરાનો ઉપયોગ
ગણેશોત્સવ દરમિયાન રેલવે સ્ટેશન પર લોકોની સુરક્ષા માટે રેલવે પોલીસ કરશે બૉડી-કૅમેરાનો ઉપયોગ
મુંબઈ : આ વર્ષે ગણેશોત્સવની ઉજવણી પ્રતિબંધ વિના થવાની હોવાથી ગણેશભક્તોમાં ઉત્સાહનો માહોલ છે. મુંબઈની સાથે આસપાસનાં પરાંમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ગણેશોત્સવ દરમિયાન શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે રેલવે ડિપાર્ટમેન્ટ સતર્ક થઈ ગયો છે. એક તરફ તહેવાર અને બીજી તરફ મુંબઈ પોલીસને મળેલી ધમકીના મેસેજ પછી મુંબઈ રેલવેએ તમામ જરૂરી પગલાં હાથ લીધાં છે. રેલવે દ્વારા મોટાં અને ભીડવાળાં રેલવે સ્ટેશનો પર ડ્યુટી કરી રહેલા અધિકારીઓને બૉડી-કૅમેરા આપવામાં આવ્યા છે. એ સાથે લોકો પર નજર રાખવા વિશેષ પોલીસ ફોર્સની પણ મદદ લેવાઈ રહી છે.
ગણેશોત્સવ દરમિયાન લાલબાગ, ચિંચપોકલી, દાદર, કરી રોડ, ભાયખલા, થાણે સ્ટેશનો પર વિશેષ ટુકડીઓ તહેનાત કરવામાં આવી છે. સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવેમાં ગણેશોત્સવ દરમ્યાન જે રેલવે સ્ટેશનો પર વધુ ધસારો હોય છે ત્યાં એનજીઓની મદદથી નિયમન અને નિયંત્રણ માટે ઑબ્ઝર્વેશન ટાવર ઊભા કરવામાં આવશે. ગણેશોત્સવ દરમ્યાન બાળકો ગુમ થવાની ફરિયાદ રેલવેને મળતી હોય છે. આવા બનાવ ન બને એ માટે દરેક ઝોનમાં બાળકો ગુમ થવાની ફરિયાદ પર કામ કરી શકે એ માટે એક સ્પેશ્યલ ટીમ બનાવવા ઉપરાંત મુસાફરોને અસુવિધા ન થાય એ માટે વિસ્તૃત પગલાં લેવામાં આવ્યાં છે. એ જ રીતે મુંબઈને મળેલી ધમકીઓના મેસેજ પછી રેલવે પોલીસ અધિકારીઓને બૉડી-કૅમેરા આપવામાં આવશે.
મુંબઈના રેલવે ડિપાર્ટમેન્ટના કમિશનરનો ચાર્જ સંભાળતા ડીસીપી સંદીપ ભાજીભાકરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગણેશોત્સવ દરમ્યાન રેલવે સ્ટેશનની સુરક્ષા બે ભાગમાં વહેંચી દેવામાં આવી છે. એક ટીમ રેલવે સ્ટેશનો પર થતી ભીડને કાબૂ કેવી રીતે કરવી એના પર ધ્યાન આપી રહી છે. બીજી ટીમ મુંબઈમાં મળેલી આતંકવાદી ધમકીઓના પગલે સુરક્ષાની દૃષ્ટિએ કામ કરી રહી છે. મુંબઈનાં સિલેક્ટેડ સ્ટેશનો પર કાર્યરત અધિકારીઓને અમે બૉડી કૅમેરા આપ્યા છે જેનો ભીડવાળા વિસ્તારમાં ઉપયોગ કરવામાં લેવાશે. સ્ટેશન પર ભીડ ન થાય એ માટે અમે કેટલીક એક્સપ્રેસ ટ્રેનોના ટાઇમિંગ પણ બદલ્યા છે. રેલવેમાં ચોરીઓ ન થાય એ માટે અમે ક્રાઇમ બ્રાન્ચની ટીમને પણ રેલવે સ્ટેશનો પર રાખી છે. એ સાથે સીસીટીવી કૅમેરાનો ઑબ્ઝર્વેશન ટાવર પણ ઊભો કર્યો છે. એક ટીમ ત્યાંથી રેલવે સ્ટેશનો પર નજર રાખશે.’

