આશરે બે મહિના પહેલાં રેલવે-અધિકારીની પ્રીતિ સાથે મીરા રોડના એક મંદિરમાં ઓળખ થઈ હતી
પ્રતીકાત્મક તસવીર
મીરા રોડ-ઈસ્ટના કાશીમીરા વિસ્તારમાં રહેતા અને મધ્ય રેલવેના પાવર કન્ટ્રોલર વિભાગમાં મોટી પોસ્ટ પર કામ કરતા બાવન વર્ષના સિનિયર અધિકારીને હની-ટ્રૅપમાં ફસાવી પ્રીતિ ઑબેરૉય નામની મહિલા સહિત બે લોકોએ દોઢ લાખ રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ સોમવારે કાશીમીરા પોલીસ-સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. આશરે બે મહિના પહેલાં રેલવે-અધિકારીની પ્રીતિ સાથે મીરા રોડના એક મંદિરમાં ઓળખ થઈ હતી. દરમ્યાન બન્ને વચ્ચે સારી મિત્રતા થતાં પ્રીતિએ જબરદસ્તી કરીને વસઈની એક હોટેલમાં રેલવે-અધિકારીને બોલાવ્યો હતો જ્યાં બન્ને વચ્ચે બંધાયેલા સંબંધોનો વિડિયો પ્રીતિએ કાઢી બીજા જ દિવસે ફોન કરી પાંચ લાખ રૂપિયાની માગણી કરી હતી, નહીંતર વિડિયો વાઇરલ કરવાની ધમકી આપી હતી. આ ઘટનાથી ગભરાઈ ગયેલા અધિકારીએ દોઢ લાખ રૂપિયા આપ્યા હતા. જોકે એ પછી પણ સતત પૈસાની માગણી કરવામાં આવતાં રેલવે-અધિકારીએ પોલીસ-ફરિયાદ નોંધાવી હતી.

