છત્રપતિ શિવાજી મહારાજની ૩૪૫મી પુણ્યતિથિએ રાયગડમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રાજ્યની જનતાને અપીલ કરી
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગઈ કાલે રાયગડ કિલ્લામાં જઈને છત્રપતિ શિવાજી મહારાજની સમાધિનાં દર્શન કર્યાં હતા.
હિન્દવી સ્વરાજના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજની ગઈ કાલે ૩૪૫મી પુણ્યતિથિ હતી ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે શિવાજી મહારાજની તત્કાલીન રાજધાની રાયગડ કિલ્લામાં જઈને તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. અમિત શાહને શિવશાહી પાઘડી ભેટ આપવામાં આવી હતી. અમિત શાહે રાજ્યની જનતાને સંબોધન કરતાં કહ્યું હતું કે ‘મેં શિવચરિત્ર વાંચ્યું છે. જીજાબાઈએ શિવરાયને માત્ર જન્મ જ નહીં પણ સ્વરાજ્યની પ્રેરણા પણ આપી હતી. માતા જીજાબાઈએ જ શિવાજી મહારાજને ભારતને વિદેશીઓની ગુલામીમાંથી મુક્ત કરીને હિન્દવી સ્વરાજની સ્થાપના કરવાનો વિચાર પણ આપ્યો હતો. રાયગડમાં આવીને શિવાજી મહારાજની પ્રતિમાને નમસ્કાર કરતી વખતે મારા મનમાં જે ભાવના પેદા થઈ છે એ શબ્દોમાં હું વ્યક્ત નથી કરી શકતો. શિવરાયનો જન્મ થયો ત્યારે દેશ અંધકારમાં ડૂબેલો હતો. આવા સમયે કોઈના મનમાં સ્વરાજ્યની કલ્પના પણ નહોતી. આમ છતાં માત્ર ૧૨ વર્ષનો એક કિશોર માતા જીજાબાઈની પ્રેરણાથી સિંધુથી કન્યાકુમારી સુધી ભગવો લહેરાવવાની પ્રતિજ્ઞા કરે છે એ અદ્ભુત છે. મેં અત્યાર સુધીમાં વિશ્વના અનેક નાયકનાં ચરિત્રો વાંચ્યાં છે; પણ દૃઢ ઇચ્છાશક્તિ, સાહસ, રણનીતિ અને એ રણનીતિને પૂરી કરવા સમાજના દરેક વર્ગને સાથે લઈને જોડીને ક્યારેય પરાજિત ન થનારું સૈન્ય ઊભું કરવાનું પરાક્રમ શિવરાય સિવાય કોઈ કરી શક્યું નથી. સ્વધર્મનો ગર્વ, સ્વરાજ્યની આકાંક્ષા અને સ્વભાષાને અમર કરવાનો વિચાર દેશની સીમા સુધી મર્યાદિત ન હોઈ શકે. આ વિચાર માનવજીવનના સ્વાભિમાન સાથે જોડાયેલો છે. શિવરાયે આ ત્રણ વિચાર ભારત ગુલામ હતો ત્યારે પણ વિશ્વ સમક્ષ મૂક્યા છે. હું અહીં રાજકારણ કરવા માટે નથી આવ્યો; શિવાજી મહારાજને નતમસ્તક થવા આવ્યો છું, શિવાજી મહારાજની સ્મૃતિમાંથી અનુભૂતિ અને તેમની પાસેથી પ્રેરણા લેવા માટે આવ્યો છું. રાજ્યના તમામ લોકોને અપીલ છે કે શિવરાયને મહારાષ્ટ્ર પૂરતા મર્યાદિત ન રાખો.’
છત્રપતિ શિવાજી મહારાજ અમર રહે
ADVERTISEMENT
છત્રપતિ શિવાજી મહારાજની ૩૪૫મી પુણ્યતિથિએ ગઈ કાલે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે છત્રપતિ શિવાજી મહારાજની સમાધિ પર જઈને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સમયે શિવાજી મહારાજની પાલખી કાઢવામાં આવી હતી એને અમિત શાહ અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સહિતના મહાનુભવોએ ખભો આપ્યો હતો. પાલખીયાત્રા વખતે કિલ્લામાં હાજર રહેલા શિવપ્રેમીઓએ છત્રપતિ શિવાજી મહારાજ અમર રહેનો સૂત્રોચ્ચાર કર્યો હતો.

