થાણેના એક્સાઇઝ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ બે જગ્યાએ રેઇડ પાડી હતી
પ્રતીકાત્મક તસવીર
૧૫ ઑગસ્ટે ડ્રાય ડે હોય છે એટલે એ દિવસે આખા દેશમાં દારૂનું વેચાણ થઈ શકતું નથી કે બાર અને રેસ્ટોરાંમાં પણ એ સર્વ થઈ શકતો નથી. એમ છતાં મીરા-ભાઈંદરમાં ચોક્કસ જગ્યાએ દારૂ (ઇન્ડિયન મેડ ફૉરેન લિકર) વેચાઈ રહ્યો છે એવી જાણ થતાં થાણેના એક્સાઇઝ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ બે જગ્યાએ રેઇડ પાડી હતી.
આ વિશે માહિતી મળતાં જ મીરા રોડના એક પરમિટ રૂમ પર અને ભાઈંદર-ઈસ્ટમાં એક લૉજ-કમ-બાર પર એક્સાઇઝ ડિપાર્ટમેન્ટના સિનિયર ઑફિસર વિજય થોરાત અને આર કોલ્થેએ તેમની ટીમ સાથે રેઇડ પાડી હતી. પરમિટ રૂમ દ્વારા ગ્રાહકોને પાર્સલથી લિકર આપવામાં આવી રહ્યો હતો, જ્યારે લૉજમાં ગ્રાહકોને તેમની રૂમમાં દારૂ સર્વ કરાઈ રહ્યો હતો. વિજય થોરાતે કહ્યું હતું કે અમે કાયદાનો ભંગ કરવા બદલ બન્ને સામે પ્રોહિબિશન ઍક્ટ અને મહારાષ્ટ્ર ફૉરેન લિકર ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.