પરભણીમાં સોમનાથ સૂર્યવંશીના પરિવારને મળ્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું...
રાહુલ ગાંધીએ સોમનાથ સૂર્યવંશીના પરિવારની મુલાકાત કરીને તેમની સાથે વાતચીત કરી હતી
પરભણીના દલિત યુવક સોમનાથ સૂર્યવંશીનું જુડિશ્યલ કસ્ટડીમાં ૧૫ ડિસેમ્બરે મૃત્યુ થવાની ઘટના બની હતી એને લઈને ગઈ કાલે કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભાના વિરોધી પક્ષના નેતા રાહુલ ગાંધી પરભણી ગયા હતા. અહીં રાહુલ ગાંધીએ સોમનાથ સૂર્યવંશીના પરિવારની મુલાકાત કરીને તેમની સાથે વાતચીત કરી હતી. બાદમાં રાહુલ ગાંધીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘સોમનાથ દલિત હતો અને તે ભારતના બંધારણનું રક્ષણ કરતો હતો એટલે પોલીસે તેને કસ્ટડીમાં મારી નાખ્યો છે. સોમનાથના પરિવારે મને સોમનાથનો પોસ્ટમૉર્ટમનો રિપોર્ટ ઉપરાંત કેટલાક ફોટો અને વિડિયો બતાવ્યા હતા. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વિધાનસભામાં ખોટું બોલ્યા હતા. આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારા ભારતના બંધારણને ખતમ કરવાની છે. પરભણીની હિંસા માટે કોણ જવાબદાર છે? આ રાજકારણ નથી. સોમનાથ સૂર્યવંશીની હત્યા કરવામાં આવી છે એટલે સંબંધિતો સામે ઍક્શન લેવી જોઈએ.’
આ મુલાકાત રાજકીય : દેવેન્દ્ર ફડણવીસ
ADVERTISEMENT
આ બાબતે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાહુલ ગાંધીની ટીકા કરતાં કહ્યું હતું કે ‘નફરત ફેલાવવા માટે રાહુલ ગાંધીની પરભણીની મુલાકાત રાજકીય હતી. અમે આ મામલાની તપાસ કરી રહ્યા છીએ. મામલો અત્યારે કોર્ટમાં છે. પોલીસના ટૉર્ચર કરવાથી સોમનાથ સૂર્યવંશીનું મૃત્યુ થયું હોવાનું પુરવાર થશે તો કોઈને છોડવામાં નહીં આવે.’