કૉન્ગ્રેસે આ યોજનાને નકારી પણ નથી અને પુષ્ટિ પણ આપી નથી. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીની મુંબઈ અને મહારાષ્ટ્રની મુલાકાત હજી સુધી ફાઇનલ થઈ નથી
રાહુલ ગાંધી
મુંબઈ : શુક્રવારે એવી અટકળો ચાલી રહી હતી કે ટૂંક સમયમાં કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનને મળશે. મીટિંગ ઉદ્ધવ ઠાકરેના મુંબઈના નિવાસસ્થાન માતોશ્રીમાં થશે અને કૉન્ગ્રેસી નેતા તેમને સાવરકરના વિરોધના મુદ્દાને લઈને વિપક્ષી એકતામાં સામેલ કરશે, જેનાથી શિવસેના (UBT - ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) દૂર રહી હતી.
કૉન્ગ્રેસે આ યોજનાને નકારી પણ નથી અને પુષ્ટિ પણ આપી નથી. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીની મુંબઈ અને મહારાષ્ટ્રની મુલાકાત હજી સુધી ફાઇનલ થઈ નથી. જોકે સેના (UBT)ના સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે તેમણે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને મુંબઈનું આમંત્રણ આપ્યું હતું. કૉન્ગ્રેસના મહાસચિવ કે. સી. વેણુગોપાલ સોમવારે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનને મળવાના છે. ત્યાર બાદ ગાંધી-ઠાકરેની મળવાની શક્યતા વધુ પ્રબળ થઈ શકે છે. તેમણે કહ્યું હતું કે ‘રાહુલ ગાંધી વિપક્ષી દળોના નેતાઓને મળી રહ્યા છે. ૨૦૨૪ની ચૂંટણી માટે આ પ્લાન સારો છે.’
૪૦ સીટો જીતી શકે છે
સંજય રાઉતે વિપક્ષી એકતાને પરિપ્રેક્ષ્યમાં મૂકીને કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રમાં સ્થિતિ એવી છે કે આપણે ૪૮ લોકસભા સીટમાંથી ૪૦ સીટ જીતી શકીએ છીએ. મેં રાહુલ અને સોનિયા ગાંધીને મુંબઈ અને મહારાષ્ટ્રની મુલાકાત લેવાનું આમંત્રણ આપતાં પહેલાં આ વાત કહી હતી. આપણે સાથે બેસીને ચર્ચા કરવી જોઈએ. કૉન્ગ્રેસ-પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ વેણુગોપાલની મુલાકાત પહેલાં ઉદ્ધવ ઠાકરે સાથે ચર્ચા કરી હતી.’
જો આ મીટિંગ થઈ તો ઠાકરે અને ગાંધી પરિવારના સભ્ય વચ્ચે અત્યાર સુધીની અને ખાસ કરીને કલાનગર નિવાસે થનારી પહેલી મીટિંગ હશે. પરિવારોએ મુંબઈ અને નવી દિલ્હીની અન્ય જગ્યાઓએ મુલાકાતો કરી છે.
...કેમ કે અમિત શાહ આવી રહ્યા છે
જે દિવસે ગૃહપ્રધાન અમિત શાહ પાર્ટી અને જાહેર કાર્યક્રમ માટે મુંબઈ તથા નવી મુંબઈમાં હાજરી આપશે ત્યારે મહાવિકાસ આઘાડીની બીજી સંયુક્ત રૅલી નાગપુરમાં યોજાવાની છે. અમિત શાહ નવી મુંબઈમાં રાજ્ય સરકારના મહારાષ્ટ્ર ભૂષણ અવૉર્ડ સમારોહના મુખ્ય અતિથિ હશે. એમાં સમાજસુધારક અને આધ્યાત્મિક ગુરુ અપ્પાસાહેબ ધર્માધિકારીને અવૉર્ડ એનાયત કરવામાં આવશે.
મહાવિકાસ આઘાડીની એક રૅલી મુંબઈમાં પણ યોજાશે. સૂત્રોએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી વરિષ્ઠ નેતા શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે સાથે રૅલીમાં હાજરી આપી શકે છે. આ પ્રસંગને એનસીપીના બૉસની સાથે કે તેમના વિના ઉદ્ધવ ઠાકરને મળવા માટે એક્સ્ટેન્ડ કરી શકાય છે.
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ કહ્યું હતું કે સાવરકરનું અપમાન કરવા બદલ માફી માગ્યા પછી જ રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રની મુલાકાત લેવી જોઈએ. તેમણે કૉન્ગ્રેસના નાના પટોળેને પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે અન્યથા અમે તેમને અહીં પગ મૂકવા દઈશું નહીં. નાના પટોળેએ કહ્યું હતું કે તેઓ રાહુલ ગાંધીના વાળને પણ સ્પર્શ કરે છે કે નહીં એ જોઈશું.
ઠાકરે ગાંધી પાસે જશે
શહેર ભાજપના અધ્યક્ષ આશિષ શેલારે કહ્યું હતું કે રાહુલ ગાંધી મુંબઈ આવવાને બદલે ઉદ્ધવ ઠાકરે કૉન્ગ્રેસના નેતા પાસે જશે, કારણ કે તેમણે રિયલ હિન્દુત્વ છોડ્યું છે ત્યારથી તેમની પાસે સમર્થન માટેના દરવાજા નથી બચ્યા. તેમણે કહ્યું હતું કે તેજસ્વી યાદવ, કેજરીવાલ અને પછી TRS… હવે તેઓ રાહુલ ગાંધી પાસે જશે. ઉદ્ધવ સ્વર્ગસ્થ બાળાસાહેબ ઠાકરેની વિચારધારાને અનુસરતા હતા ત્યારે (ઠાકરે) નિવાસસ્થાન માતોશ્રીનું માન હતું. તેમણે નિવેદનમાં જણાવ્યું હતું કે ઉદ્ધવ અને આદિત્યે માતોશ્રીના મહાન મહત્ત્વને ઘટાડ્યું છે, કારણ કે તેઓ સમર્થન માટે દરવાજાઓ પર ભટકી રહ્યા છે.
આશિષ શેલારે કહ્યું હતું કે વિપક્ષનો હોબાળો અમિત શાહના ડરના કારણે છે.