સાડાનવ મિનિટના ભાષણમાં ૧૪ વખત શિવાજીનું નામ લીધું
રાહુલ ગાંધી
સંસદમાં વિરોધી પક્ષ નેતા રાહુલ ગાંધીને ગઈ કાલે કોલ્હાપુરમાં આયોજિત સંવિધાન સન્માન સંમેલનમાં અચાનક છત્રપતિ શિવાજી મહારાજ પર પ્રેમ ઊભરાઈ આવ્યો હોવાનું જણાયું હતું. નવ મિનિટ અને છવ્વીસ સેકન્ડના ભાષણમાં રાહુલ ગાંધીએ ૧૪ વખત શિવાજી મહારાજનું નામ લીધું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘શિવાજી મહારાજ અને શાહુ મહારાજ જેવા લોકો ન હોત તો આપણું બંધારણ ન બની શક્યું હોત. આ દેશમાં બે વિચારધારા છે. એક બધાને સાથે લઈને ચાલનારી અને સંરક્ષણ કરનારી છે અને બીજી લોકોને ધમકાવીને બંધારણ ખતમ કરવાની ભાષા કરે છે અને શિવાજી મહારાજ સમક્ષ નતમસ્તક થાય છે. આ જ વિચારધારાએ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક નહોતો થવા દીધો. આજે આપણે આ જ શિવાજી મહારાજના પૂતળાનું અનાવરણ કરી રહ્યા છીએ. શિવાજી મહારાજે સંદેશ આપ્યો હતો કે સૌને સાથે લઈને ચાલો. હવેથી તમને કોઈ કહે કે તે છત્રપતિ શિવાજી મહારાજને માને છે તો તમે તેમને પૂછજો કે તમે બંધારણમાં માનો છો?’
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે મહારાષ્ટ્રના આરાધ્ય છત્રપતિ શિવાજી મહારાજને માનનારા લોકોને આકર્ષિત કરવા માટે રાહુલ ગાંધીએ તેમના પર ભાષણ આપ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
બંધારણ બચાવવા માટે આરક્ષણની ટકાવારી વધારવી જરૂરી - રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કોલ્હાપુરના ગઈ કાલના કાર્યક્રમમાં કહ્યું હતું કે ‘બંધારણને બચાવવા માટે પચાસ ટકા આરક્ષણની મર્યાદા દૂર કરવાની જરૂર છે. કેન્દ્રમાં અમારી સરકાર આવશે તો ઇન્ડિયા ગઠબંધન લોકસભામાં આ સંબંધે કાયદો પસાર કરશે. અમે જાતિઆધારિત વસ્તીગણતરી કરવાની માગણી કરી છે, પણ સરકાર એનો વિરોધ કરી રહી છે. સરકાર બંધારણને બદલવા માગે છે એટલે આરક્ષણની ટકાવારી અને જાતિઆધારિત વસ્તીગણતરી કરવા નથી માગતી.’