વનરાઈ પોલીસ મલાડના ડેવલપરે નોંધેલા બનાવટી કેસના સંબંધમાં ગૉડવુમન રાધે માના પુત્ર હરજિન્દર સિંહ અને એમ. એમ. મીઠાઈવાલાના ડિરેક્ટર વિકી ગુપ્તા વિરુદ્ધ એફઆઇઆર નોંધવાની પ્રક્રિયામાં છે.
રાધે મા
વનરાઈ પોલીસ મલાડના ડેવલપરે નોંધેલા બનાવટી કેસના સંબંધમાં ગૉડવુમન રાધે માના પુત્ર હરજિન્દર સિંહ અને એમ. એમ. મીઠાઈવાલાના ડિરેક્ટર વિકી ગુપ્તા વિરુદ્ધ એફઆઇઆર નોંધવાની પ્રક્રિયામાં છે.
બ્રિજવાસી બિલ્ડર્સના મૅનેજિંગ ડિરેક્ટર અશોક જૈનના જણાવ્યા અનુસાર ગુપ્તા અને સિંહે ૨૦૧૭માં તેમનો સંપર્ક કર્યો હતો અને દાવો કર્યો હતો કે તેઓ મલાડ-ઈસ્ટના વર્મા વાડી નામના બિલ્ડિંગના ભાડૂત હતા, જેને બિલ્ડર રીડેવલપ કરી રહ્યો છે. તેમણે દાવાની પ્રામાણિકતા સાબિત કરવા માટે કથિત રીતે ભાડાની બે રસીદો રજૂ કરી. આ રસીદો બિલ્ડિંગના ભૂતપૂર્વ માલિકો અજય સુર્વે અને સંતોષ મહાજને જારી કરી હતી. સિંહે કથિત રીતે દાવો કર્યો હતો કે તે બિલ્ડિંગના પહેલા માળે કમર્શિયલ અને રેસિડેન્શિયલ ફ્લૅટ ભાડે આપી રહ્યો હતો. જોકે જ્યારે જૈને દાવાઓ ચકાસવા માટે સુર્વેનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું કે તેમણે સિંહને ક્યારેય કોઈ રસીદ આપી નથી.
ADVERTISEMENT
જૈને ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘સિંહ અને ગુપ્તાએ અમારો સંપર્ક કર્યો હતો અને અમને સુર્વે અને મહાજન દ્વારા જારી કરાયેલી ભાડાની બે રસીદ બતાવી હતી. હું એને અધિકૃત માનતો હતો. મેં સિંહની તરફેણમાં ભાડાની બે રસીદો પણ જારી કરી હતી, કારણ કે હું તેના સહયોગી વિકી ગુપ્તાને લાંબા સમયથી જાણું છું. જોકે જ્યારે મેં સુર્વેનો સંપર્ક કર્યો ત્યારે તેણે રસીદો જારી કરવાનો ઇનકાર કર્યો. મેં સ્થાનિક ભાડૂતો અને બીએમસીમાં પણ તપાસ કરી હતી. સિંહ ભાડૂત નહોતા. અમે દસ્તાવેજોની ખરાઈ કરવા માટે સિંહને નોટિસ આપી હતી. એનો તેણે જવાબ નહોતો આપ્યો. ૨૧ જુલાઈએ અમે એનસી નોંધાવવા માટે પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે મારું સ્ટેટમેન્ટ લીધું છે અને ટૂંક સમયમાં વધુ સ્ટેટમેન્ટ્સ લેવામાં આવશે.’
જૈને એવો પણ આક્ષેપ કર્યો હતો કે ગુપ્તાના માણસોએ તેમને કથિત રીતે ધમકી આપી હતી કે ‘કુછ નહીં હોગા. હમારી પહોંચ બહુત ઉપર તક હૈ.’ દરમિયાન ગુપ્તાએ જણાવ્યું હતું કે ‘હરજિન્દર અને મેં ડેવલપરને સાચા દસ્તાવેજો આપ્યા છે. અમે બિલ્ડર વિરુદ્ધ હાઈ કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે.’ તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે સિંહ હાઈ-પ્રોફાઇલ વ્યક્તિ હોવાથી તેમને આમા સંડોવવામાં આવ્યા છે.
સિંહનો સંપર્ક કરતાં તેમણે પોતાના વકીલ સાથે વાત કરવા માટે કહ્યું હતું. જોકે ગિરીશ કેડિયાએ વૉટ્સઍપ મેસેજ કે કૉલનો જવાબ નહોતો આપ્યો. સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર રામપિયારે ગોપીનાથ રાજભરે કહ્યું હતું કે ‘અમે સ્ટેટમેન્ટ્સ રેકૉર્ડ કરી રહ્યા છીએ. એના આધારે એફઆઇઆર નોંધવામાં આવશે.’

