મુલુંડની વિઠ્ઠલનગર સોસાયટીમાં આગ : ૮૦ લોકોને રેસ્ક્યુ કર્યા : સિનિયર સિટિઝન અને બાળકો મળીને ૧૧ જણનો હૉસ્પિટલમાં ઇલાજ ચાલુ : સોસાયટીમાં જવાનો રોડ છ મીટરનો નહોતો એટલે ફાયર-એન્જિન અંદર જઈ શકે એમ નહોતાં
ટેરેસ પર ભેગા થયેલા લોકો
મુલુંડ-વેસ્ટના સેવારામ લાલવાણી રોડ પર વિઠ્ઠલનગર વિસ્તારની એક સોસાયટીના ગ્રાઉન્ડ ફ્લોર પર મીટર-બૉક્સમાં શૉર્ટ-સર્કિટ થતાં આગ લાગી હતી. એ પછી ધીરે-ધીરે આગ મોટી થતાં છેક પહેલા માળ સુધી આગ પ્રસરી હતી. સોસાયટીમાં રહેતા લોકો આગના ડરથી ટેરેસ પર પહોંચ્યા હતા. ફાયર-બ્રિગ્રેડને આગનો કૉલ મળતાં ઘટનાસ્થળ પર આવી પોલીસની મદદથી આશરે ૮૦ લોકોને રેસ્ક્યુ કર્યા હતા. એ સાથે આગને કારણે ઈજાગ્રસ્ત થયેલા ૧૧ લોકોને હૉસ્પિટલમાં શિફ્ટ કર્યા હતા.
વિઠ્ઠલનગર વિસ્તારમાં આવેલી જાગૃતિ કો-ઑપરેટિવ સોસાયટીના ગ્રાઉન્ડ ફ્લોર પર મીટર-બૉક્સમાં ગઈ કાલે બપોરે આશરે અઢી વાગ્યે આગ લાગી હતી, જે આગ ધીરે-ધીરે પહેલા માળ સુધી પહોંચી હતી. બિલ્ડિંગમાં બહાર નીકળવા માટે બીજો કોઈ રસ્તો ન હોવાથી સોસાયટીના મેમ્બરો બિલ્ડિંગની ટેરેસ પર પહોંચ્યા હતા. ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા લોકો બારી તોડી બહાર નીકળી આવ્યા હતા. આગ લાગવાની ઘટનાની ફાયર-બ્રિગેડને જાણ કરતાં તરત પાંચ ફાયર-એન્જિનો ઘટનાસ્થળે આવ્યાં હતાં. આગ પર થોડો કન્ટ્રોલ મળતાં જ ફાયર-બ્રિગેડના અધિકારીઓએ મુલુંડ પોલીસ સ્ટેશનના અધિકારીઓની મદદ લઈ ટેરેસ પર રહેલા આશરે ૮૦ જણને રેસ્ક્યુ કર્યા હતા. સિનિયર સિટિઝન અને બાળકો મળી કુલ ૧૧ લોકો જખમી થયા હતા, જેમને મુલુંડની અગ્રવાલ હૉસ્પિટલમાં શિફ્ટ કર્યા હતા. એમાંથી હાલમાં ૪ જણ આઇસીયુ હેઠળ ઇલાજ લઈ રહ્યા છે.
ADVERTISEMENT
જાગૃતિ સોસાયટીના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા વિશાલ જોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલની આગ ખૂબ જ ભયાનક હતી. મારો બે નંબરનો ફ્લૅટ છે. આગ વધતી જોતાં હું અને બીજા લોકો એક નંબરના ફ્લૅટની બારી તોડી બહાર આવ્યા. આગને કારણે તણખા ઊડતા હતા એટલે હું મારાં દાદીને કપડાંમાં લપેટી બહાર લઈ ગયો હતો. એ સાથે બીજા લોકોને પણ અમે ફાયર-બ્રિગેડની મદદથી બહાર કાઢ્યા હતા. હાલમાં અમારી સોસાયટીમાં જવા માટે પોલીસ અને ફાયર-બ્રિગેડ દ્વારા ઇનકાર કરવામાં આવતાં બધા લોકો અત્યારે બીજા બિલ્ડિંગના હૉલમાં રહે છે.’
મુલુંડ ફાયર-બ્રિગેડના સિનિયર અધિકારી દત્તાત્રેય પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે મીટર-બૉક્સમાં આગ લાગવાને કારણે આખા બિલ્ડિંગમાં મોટા પ્રમાણમાં કાળો ધુમાડો ભેગો થયો હતો, જેના કારણે કોઈ જ ચીજ દેખાતી નહોતી. ત્યાર બાદ અમારા અધિકારીઓને માસ્ક આપી તરત ટેરેસ પર ગયેલા લોકોને નીચે લાવવા માટે કહ્યું હતું. એમાં એક પછી એક આશરે ૮૦ જણને અમે બહાર કાઢ્યા હતા. આ ઘટનામાં ૧૧ જણ જખમી થયા હતા, જેમને અમારા અધિકારીઓએ ઍમ્બ્યુલન્સની મદદથી હૉસ્પિટલ પહોંચાડ્યા હતા.’
વિક્રોલી ફાયર-બ્રિગેડના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા અધિકારીઓએ ગઈ કાલે ચોક્કસ એક ચૅલેન્જિંગ કાર્ય કર્યું હતું. એ ચૅલેન્જિંગ કાર્ય એટલા માટે કે સોસાયટી સુધી પ્રવેશ કરવા માટે જે રોડ હતો એ છ મીટરનો નહોતો એટલે અમારું ફાયર- એન્જિન સોસાયટી સુધી પહોંચી શકે એમ નહોતું. એથી બાજુમાં ચાલી રહેલા નવા બિલ્ડિંગના કન્સ્ટ્રક્શન કામનાં પતરાં તોડી અમારી ગાડીઓ અંદર નાખી પાણી દ્વારા આગ ઓલવી હતી.’

