પૂણે : SPએ ફરિયાદ કરવા ગયેલી સબ-ઇન્સ્પેક્ટરને ફટકારી
ભોગગ્રસ્ત સબ-ઇન્સ્પેક્ટર દીપાલી શિંદે.
૩૫ વર્ષની સબ-ઇન્સ્પેક્ટર દીપાલી શિંદે માટે રવિવારે સાતારાના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ (SP)ની ઑફિસની લીધેલી મુલાકાત એક ભયાનક યાદ છોડી ગઈ. એક ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS) ઑફિસર હોવા છતાં તેજસ્વી સાતપુતેનું અપશબ્દો અને સોટીના માર સાથેનું વર્તન ખૂબ જ હીણપતભર્યું હતું.
ADVERTISEMENT
2010માં સાતારા પોલીસ-સ્ટેશનમાં જોડાયેલી દીપાલી કેશવરાવ શિંદેને 2018માં સાતારાના પાટસ પોલીસ-સ્ટેશનમાં પોસ્ટિંગ મળ્યું હતું. માત્ર છ મહિનાના પુત્રને ઘરે મૂકીને ઘણી આશા સાથે ડ્યુટી જૉઇન કરનાર દીપાલી શિંદેને સમય સાથે જણાયું કે અહીં એક મહિલા માટે કામ કરવું ખૂબ જ મુશ્કેલ છે. જાતીય સંબંધોની માગણી પોલીસ-સ્ટેશનમાં પણ અતિ સામાન્ય બાબત છે એમ ‘મિડ-ડે’ને જણાવતાં દીપાલીએ કહ્યું હતું કે મહિલા હોવાને કારણે SP સાતપુતે પાસેથી ન્યાય મળવાની આશા સાથે મેં તેમને મારી કથની સંભïળાવી હતી, પરંતુ તેમણે પણ મારી વાત સાંભળવાને બદલે મારી સાથે ગેરવર્તન કર્યું હતું.
પોતાની કરુણ કથની કરતાં દીપાલી શિંદેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા પપ્પાની ઉંમરના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ 2૦૧૮માં મારી સામે અયોગ્ય રીતે તાકી રહેવા ઉપરાંત અભદ્ર મેસેજ અને કૉલ્સ પણ કર્યા હતા. આની સામે વાંધો ઉઠાવવા ગઈ તો આ ડિપાર્ટમેન્ટમાં મહિલાઓની નિમણૂક આ જ હેતુથી કરાય છે એવું કહીને મને અપશબ્દો પણ કહ્યા હતા.’
તેજસ્વી સાતપુતેએ ચાર્જ સંભાળ્યો હોવાનું જાણવા મળતાં ન્યાય મેળવવા માટે હું તેમની પાસે ગઈ હતી, કેમ કે પુણે ગ્રામીણમાં મેં તેમના હાથ નીચે કામ કર્યું હતું. જોકે તેમણે મને તેમની પાસેની છડીથી માર માર્યો હતો. દીપાલીના પતિએ ‘મિડ-ડે’ને કહ્યું કે તેની આ લડાઈમાં હું તેની સાથે છું.
આ પણ વાંચો : ઘાટકોપરમાં મોબાઇલ શૉપમાં આગ : દુકાન બળીને ખાખ
જોકે SP સાતપુતેને પૂછવામાં આવતાં તેમણે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘તેણે શનિવારે મને એક ઑડિયો ક્લિપ મોકલી જેમાં સાતારામાં કયાં કામ કરવાનાં અગત્યનાં છે એ જણાવાયું હતું. એટલે મેં તેને કહ્યું કે મારા અધિકારક્ષેત્રમાં કઈ રીતે કામ કરવું એ મને તારે શીખવવાની જરૂર નથી. ત્યાર બાદ તેણે પોતાના કેસની વિગતો જણાવવા માંડી તો મેં તેને ઑફિસમાંથી જતા રહેવા જણાવી દીધું હતું. બાકી કશું થયું નથી.’