Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Pune Rains News: પુણેમાં જળપ્રકોપ, ૩૨ વર્ષનો રેકૉર્ડ તૂટ્યો, આર્મી બોલાવવી પડી

Pune Rains News: પુણેમાં જળપ્રકોપ, ૩૨ વર્ષનો રેકૉર્ડ તૂટ્યો, આર્મી બોલાવવી પડી

Published : 26 July, 2024 10:32 AM | IST | Pune
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

Pune Rains News: સવાર પછી સાંજે પણ ખડકવાસલા ડૅમમાંથી પાણી છોડવામાં આવ્યું : લોનાવલામાં પર્યટકોને ૨૯ જુલાઈ સુધી નો એન્ટ્રી

લવાસામાં એક બંગલા પર માટી ધસી આવી હતી. એમાં બંગલાની અંદર કામ કરી રહેલા બે લોકો અટવાઈ ગયા હતા.

લવાસામાં એક બંગલા પર માટી ધસી આવી હતી. એમાં બંગલાની અંદર કામ કરી રહેલા બે લોકો અટવાઈ ગયા હતા.


મહારાષ્ટ્રની સાંસ્કૃતિક નગરી પુણેમાં ગઈ કાલે મુશળધાર વરસાદ પડવાની સાથે ડૅમમાંથી પાણી છોડવામાં આવતાં અનેક વિસ્તારો જળબંબાકાર થયા હતા. ગઈ કાલે બપોરના પૂરા થયેલા ૨૪ કલાકમાં અહીંના તામ્હિણી ઘાટ, શિરગાવ, આંબોને અને લોનાવલામાં ૧૨થી ૨૨ ઇંચ જેટલો ભારે વરસાદ થતાં વરસાદનો ૩૨ વર્ષનો રેકૉર્ડ તૂટ્યો હોવાનું જાણવા મળ્યું હતું. વરસાદને લીધે પુણે જિલ્લામાં ચાર લોકોના જીવ ગયા હતા. સિંહગડ માર્ગ પરના એકતાનગરમાં પાંચેક ફુટ સુધી પાણી ભરાતાં લોકોને સલામત સ્થળે પહોંચાડવા આર્મીને બોલાવવામાં આવી હતી. પુણેની સ્થિતિને ધ્યાનમાં રાખીને નાયબ મુખ્ય પ્રધાન અને પુણેના પાલક પ્રધાન અજિત પવાર મુંબઈથી પુણે દોડી ગયા હતા અને તેમણે પૂરગ્રસ્ત વિસ્તારમાં જઈને લોકોને તમામ પ્રકારની મદદ જાહેર કરી હતી.


નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર પુણેના એકતાનગરમાં પહોંચ્યા ત્યારે અહીંના નાગરિકોએ તેમને ચારે તરફ પાંચેક ફુટ વરસાદનું પાણી ભરાઈ જવાથી ઘરવખરી અને મહત્ત્વના ડૉક્યુમેન્ટ્સ ભીંજાઈ ગયા હોવાનું કહ્યું હતું. એક મહિલાએ આવું કહ્યું ત્યારે અજિત પવારે તેને સરકાર તરફથી તમામ જરૂરી મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતું. અજિત પવારે બાદમાં પુણે મ્યુનિસિપલ કૉર્પોરેશનના કન્ટ્રોલ-રૂમમાં જઈને સ્થિતિ જાણી હતી. ડૅમના ઉપરના ભાગમાં વરસાદ બપોર બાદ પણ ચાલુ રહ્યો હતો એટલે તેમણે પુણેકરોને સાવધ રહેવાની સૂચના આપી હતી.




આર્મી બોલાવવી પડી

ભારે વરસાદને પગલે સિંહગડ માર્ગ પરના એકતાનગર ઉપરાંત બવધાન, બાણેર અને ડેક્કન જિમખાના વગેરે નીચાણવાળા વિસ્તારોમાં ઘરોની અંદર પાણી ભરાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. લોકોને રેસ્ક્યુ કરવા માટે નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સની સાથે આર્મીના જવાનોને કામે લગાવવામાં આવ્યા હતા. અજિત પવારે કહ્યું હતું કે ‘બપોર બાદ વરસાદનું પ્રમાણ ઓછું થતાં નીચાણવાળા વિસ્તારોમાં આવેલાં ઘરોમાંથી પાણીનો નિકાલ થઈ ગયો હતો. આમ છતાં જેમને જરૂર હતી તેમને સલામત સ્થળે શિફ્ટ કરવામાં આવ્યા હતા. લોકોને જમવાની અને કપડાંની મદદ પહોંચાડવામાં આવી હતી.’


ચારનાં મૃત્યુ

પુણેના ભીડે પુલ પાસે પાણીની સપાટીમાં વધારો થવાથી પોતાનો સ્ટૉલ સુરક્ષિત જગ્યાએ મૂકવા જઈ રહેલા ત્રણ લોકોને વીજળીનો કરન્ટ લાગતાં તેમનાં મૃત્યુ થયાં હતાં. તામ્હિણી ઘાટમાં ભોજનાલય પર પથ્થર પડવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું તો બીજા એકને ગંભીર ઈજા થઈ હતી. લવાસામાં એક બંગલા પર માટી ધસી આવી હતી. એમાં બંગલાની અંદર કામ કરી રહેલા બે લોકો અટવાઈ ગયા હતા.

લોનાવલા બંધ

પુણેની સાથે લોનાવલામાં પણ ભારે વરસાદ થવાથી પૂરની સ્થિતિ બે દિવસથી ઊભી થઈ હતી એટલે અહીં ૨૯ જુલાઈ સુધી પર્યટનને બંધ કરવાનો આદેશ સ્થાનિક પ્રશાસને આપ્યો હતો. આથી વરસાદની મજા માણવા માગતા લોકો લોનાવલાનાં પર્યટન-સ્થળોની મુલાકાત નહીં લઈ શકે. ઉપરના ભાગમાં પણ સતત વરસાદ પડી રહ્યો છે એટલે લોનાવલાના પર્યટન-સ્થળના તમામ વૉટરફૉલમાં ખૂબ પાણી પડી રહ્યું હોવાથી અહીં કોઈ જાય તો જીવનું જોખમ ઊભું થઈ શકે છે. આથી આ જગ્યાઓએ ચાર દિવસનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

૨૪ કલાકની રેડ અલર્ટ

Pune Rains News: હવામાન વિભાગે આગામી ૨૪ કલાકમાં પણ પુણે જિલ્લાના ખેડ, જુન્નર, આંબેગાંવ, વેલ્હા, મુળશી, માવળ, ભોર, હવેલી તાલુકામાં અને પિંપરી-ચિંચવડ તેમ જ પુણે શહેર પરિસરમાં આવેલા ઘાટમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની આગાહી કરી હતી. આથી લોકોને ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી હતી.

ડૅમના દરવાજા ખોલવાનો વિવાદ

પુણેના ખડકવાસલા ડૅમમાંથી પાણી છોડવા બાબતે વિવાદ થયો હતો. સંસદસભ્ય સુપ્રિયા સુળેએ પ્રશાસને રાત્રે દરવાજા ન ખોલ્યા એ બદલ ટીકા કરી હતી. એના જવાબમાં અજિત પવારે કહ્યું હતું કે ‘રાત્રે બધા સૂતા હોય અને અચાનક પાણી ભરાઈ જાત તો તેઓ મુશ્કેલીમાં મુકાઈ જાત. આથી સવારના સમયે જ પાણી છોડવામાં આવ્યું હતું.’

મુંબઈ-પુણે ટ્રેનો રદ

પુણેની સાથે કર્જત, કલ્યાણ અને બદલાપુરમાં નદીઓમાં પૂર આવવાથી અનેક વિસ્તારો જળમય થવાની સાથે નદી જોખમી સ્તરે વહેતી હોવાને પગલે સેન્ટ્રલ રેલવેએ પહેલાં કર્જતથી કલ્યાણ ટ્રેનો બંધ કરી હતી અને બાદમાં મુંબઈ-પુણે વચ્ચેની કેટલીક મહત્ત્વની ટ્રેનો રદ કરી હતી. આજની સવારની મુંબઈ અને પુણેની તમામ એક્સપ્રેસ ટ્રેનોને પણ રદ કરવામાં આવી હતી. 

કાર ડૂબી, ત્રણ લોકો જેમતેમ બહાર નીકળ્યા

Pune Rains News: પુણેના ચર્હોલી ગામમાં ગઈ કાલે એક કાર પાણીમાં તણાઈ જતી હોય એવો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. કાર પાણીમાં વહીને જતી હતી ત્યારે એ ખાડા પાસે પહોંચી હતી. આ જોઈને ગામના યુવક યોગેશ ભોસલે અને ગામવાસીઓએ કારમાં જઈ રહેલા લોકોને બૂમો પાડીને સાવધ કર્યા હતા. તેમણે દરવાજો ખોલો, દરવાજો ખોલો, બહાર આવો એવી બૂમો પાડતાં કારમાંથી ત્રણ લોકો જેમતેમ બહાર નીકળ્યા હતા. બાદમાં કાર મોટા ખાડામાં પડી ગઈ હતી. જોકે એ પહેલાં બધા બહાર નીકળી ગયા હતા એટલે બચી ગયા હતા. 

 

Whatsapp-channel Whatsapp-channel

26 July, 2024 10:32 AM IST | Pune | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK