૩૦૦ શબ્દનો નિબંધ લખવાની સ્પર્ધાનું પહેલું ઇનામ ૧૧,૧૧૧ રૂપિયા રાખવામાં આવ્યું હતું.
નિબંધ લખી રહેલા સ્પર્ધકો.
પુણેના કલ્યાણીનગરમાં ગયા અઠવાડિયે બિલ્ડર વિશાલ અગરવાલના ટીનેજ પુત્રે પૉર્શે કાર ચલાવીને સૉફ્ટવેર એન્જિનિયરો અનિશ અવધિયા અને અશ્વિની કોસ્ટાને ઉડાવતાં તેમનાં મૃત્યુ થયાં હતાં. આ કેસમાં આરોપીને કોર્ટે નિબંધ લખવાની સજા કરી હતી એની સોશ્યલ મીડિયામાં ભારે ટીકા થઈ હતી ત્યારે ગઈ કાલે પુણે યુવા કૉન્ગ્રેસે જ્યાં ઍક્સિડન્ટ થયો હતો ત્યાં નિબંધસ્પર્ધાનું આયોજન કરીને અકસ્માતમાં મૃત્યુ પામેલા બન્ને સૉફ્ટવેર એન્જિનિયરોને અનોખી શ્રદ્ધાંજલિ આપી હતી. ૩૦૦ શબ્દનો નિબંધ લખવાની સ્પર્ધાનું પહેલું ઇનામ ૧૧,૧૧૧ રૂપિયા રાખવામાં આવ્યું હતું.
નિબંધસ્પર્ધાના આયોજન વિશે પુણે યુવા કૉન્ગ્રેસના અધ્યક્ષ રાહુલ શિરસાટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અકસ્માતનો આ એક ગંભીર મામલો છે. આવી ઘટના ભવિષ્યમાં ન બને એ માટેની જાગૃતિ લાવવાની સાથે મૃત્યુ પામનારા સૉફ્ટવેર એન્જિનિયરોને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે આ નિબંધસ્પર્ધાનું આયોજન કર્યું હતું. મારી મનપસંદ કાર, દારૂનાં ખરાબ પરિણામ, કાયદો બધા માટે સરખો છે એટલે નિયમ પાળો, આજની યુવા પેઢી અને વ્યસન, મારા પિતા બિલ્ડર હોત તો?, રસ્તાના અકસ્માત ટાળવા માટે શું કરવું જોઈએ? હું પોલીસ અધિકારી બન્યો તો?, ભારતમાં સાચે જ કાયદામાં સમાનતા છે? અશ્વિની અને અનિશના મૃત્યુ માટે ખરેખર જવાબદાર કોણ? અને મારું સપનાનું પુણે શહેર... વગેરે વિષયો પર સવારના નવથી બપોરના એક વાગ્યા સુધીની આ નિબંધસ્પર્ધામાં ૧૮ વર્ષથી ૫૮ વર્ષની ઉંમરના ૩૦૦ લોકો સામેલ થયા હતા.’