પુત્રને બચાવવા માટે પિતાએ સસૂન હૉસ્પિટલના ડૉક્ટર સાથે ૫૦ લાખ રૂપિયામાં સોદો કર્યો હોવાની શંકા
શિવાની અગરવાલ
૧૯ મેએ મોડી રાતે પુણેના કલ્યાણીનગરમાં દારૂના નશામાં પૉર્શે કાર ચલાવીને બે સૉફ્ટવેર એન્જિનિયરને કચડવાના મામલામાં ટીનેજર, તેના પિતા વિશાલ અગરવાલ અને દાદા સુરેન્દ્રકુમાર બાદ હવે તેની મમ્મી શિવાનીની પણ ધરપકડ થવાની શક્યતા છે. પુણે ક્રાઇમ બ્રાન્ચે કરેલી તપાસમાં જણાઈ આવ્યું છે કે ટીનેજર પુત્રે દારૂ પીને ઍક્સિડન્ટ કર્યો હોવાની જાણ થયા બાદ પોલીસ તેનું બ્લડ-સૅમ્પલ લેશે એ ટીનેજરના પિતા વિશાલ અગરવાલ જાણતા હતા. આથી તેમણે સસૂન હૉસ્પિટલના ફૉરેન્સિક વિભાગના ઇન્ચાર્જ ડૉ. અજય તાવરે સાથે ફોન કરીને કોઈ પણ રીતે પુત્રને બચાવવા માટેના પ્રયાસ કરવાની સાથે તેમને બ્લડનું સૅમ્પલ બદલવાનું કહ્યું હતું. એટલું જ નહીં, અકસ્માત બાદ ટીનેજરની મમ્મી શિવાની હૉસ્પિટલમાં પહોંચી ગઈ હતી. અત્યાર સુધીની તપાસમાં જણાયું છે કે જે બ્લડ-સૅમ્પલના આધારે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો એ કોઈ મહિલાનું બ્લડ હતું. આ બ્લડ ટીનેજરની મમ્મી શિવાનીનું હોવાની શક્યતા છે એટલે પોલીસ તેની પૂછપરછ કરવા માટે બુધવારે તેના ઘરે ગઈ હતી હતી, પરંતુ તે ઘરે નહોતી અને તેનો મોબાઇલ-નંબર પણ બંધ આવી રહ્યો છે.
CCTV કૅમેરામાં ઝડપાઈ
ટીનેજરની મમ્મી શિવાની સસૂન હૉસ્પિટલમાં હાજર હોવાનું ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજમાં ઝડપાઈ ગયું છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં એવું પણ જણાઈ આવ્યું છે કે સસૂન હૉસ્પિટલના ડૉક્ટરો ટીનેજરનું બ્લડ-સૅમ્પલ લઈ રહ્યા હતા ત્યારે બહારના કેટલાક લોકો પણ હૉસ્પિટલની લૅબોરેટરીમાં પહોંચી ગયા હતા અને તેમણે ટીનેજરને બદલે બીજા કોઈનું સૅમ્પલ લેવાનું દબાણ કર્યું હતું. એ સમયે શિવાની અગરવાલ પણ હૉસ્પિટલમાં હતાં એટલે તેણે પુત્રને બચાવવા માટે પોતાના બ્લડનું સૅમ્પલ આપ્યું હોવાની શક્યતા છે. આ શંકાના આધારે જ પોલીસ શિવાનીનું બ્લડ-સૅમ્પલ લઈને અગાઉના રિપોર્ટ સાથે મૅચ કરવા માગે છે.
ADVERTISEMENT
પચાસ લાખમાં સોદો?
ટીનેજ પુત્રને બચાવવા માટે તેના પિતા વિશાલ અગરવાલે સસૂન હૉસ્પિટલના ફૉરેન્સિક વિભાગના ઇન્ચાર્જ ડૉ. અજય તાવરેને ઘટનાની રાત્રે ૧૪ વખત ફોન કરીને કોઈ પણ રીતે ટીનેજરનો રિપોર્ટ નેગેટિવ ન આવે એમ કહ્યું હોવાનો અને આ કામ કરવા માટે પચાસ લાખ રૂપિયાની ઑફર આપી હોવાનો આરોપ છે એટલે પુણે ક્રાઇમ બ્રાન્ચ આ દિશામાં તપાસ કરી રહી હોવાનું જાણવા મળ્યું હતું.
ફ્રેન્ડ્સનાં સૅમ્પલ પણ બદલ્યાં?
ક્રાઇમ બ્રાન્ચનાં સૂત્રોના જણાવ્યા મુજબ ટીનેજરના બ્લડ-સૅમ્પલ તેની મમ્મી શિવાની સાથે તો ટીનેજરનાં બે ફ્રેન્ડ્સનાં સૅમ્પલ પણ તેમના ભાઈ અને પિતા સાથે બદલવામાં આવ્યાં હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અકસ્માત થયો ત્યારે ટીનેજર સાથે તેના બે ફ્રેન્ડ્સ પણ હતા. પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ ત્રણેયની ધરપકડ કરી હતી અને તેમને સસૂન હૉસ્પિટલ જવાયા બાદ તેમના બ્લડનાં સૅમ્પલ લેવામાં આવ્યાં હતાં.