ફેસબુક-ફ્રેન્ડે જ દગો આપ્યો, ત્રણ મિત્ર સાથે મળીને હોટેલ અને કારમાં બળાત્કાર કર્યો ઃ યુવતીને બ્લૅકમેઇલ કરીને તેની પાસેથી ૩૦ લાખ રૂપિયા અને બે આઇફોન પણ પડાવ્યા
પ્રતીકાત્મક તસવીર
પુણેની એક ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (IT) એન્જિનિયર યુવતીને મુંબઈ બોલાવીને તેના પર ગૅન્ગરેપ કરવામાં આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના બની છે. યુવતી મુંબઈ આવી હતી ત્યારે તેને કોલ્ડ ડ્રિન્કમાં નશીલો પદાર્થ મિક્સ કરીને પિવડાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ એક યુવક અને તેના ત્રણ ફ્રેન્ડ્સે યુવતી પર કાંદિવલીની એક હોટેલ અને કારમાં ગૅન્ગરેપ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. આરોપીઓએ શારીરિક સંબંધનો વિડિયો શૂટ કર્યો હતો એ જાહેર કરવાની ધમકી આપીને યુવતી પાસેથી ૩૦ લાખ રૂપિયા અને બે આઇફોન પડાવ્યા હતા. યુવતીએ ફરિયાદ નોંધાવતાં પુણે પોલીસે ચારેય નરાધમ સામે ફરિયાદ નોંધી હતી. મૂળ કર્ણાટકની એન્જિનિયર યુવતી પર કાંદિવલીમાં સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હોવાથી આ કેસ પુણેથી કાંદિવલી પોલીસને સોંપવામાં આવ્યો છે.
શું હતો ઘટનાક્રમ?
ADVERTISEMENT
પોલીસના જણાવ્યા મુજબ મૂળ કર્ણાટકની IT એન્જિનિયર યુવતી પુણેની એક કંપનીમાં જૉબ કરે છે. તેની મુંબઈમાં રહેતા તમીમ ખાન નામના યુવક સાથે કેટલાક સમય પહેલાં ફેસબુક પર ફ્રેન્ડશિપ થઈ હતી. બન્નેએ મોબાઇલ નંબરની આપ-લે કર્યા બાદ વાતચીત થવા લાગી હતી. આરોપી તમીમ ખાને એન્જિનિયર યુવતીને મુંબઈમાં મળવા માટે બોલાવી હતી. યુવતી મુંબઈ આવી ત્યારે તેને એક હોટેલમાં લઈ જવામાં આવી હતી. અહીં યુવતીને કોલ્ડ ડ્રિન્કમાં નશીલો પદાર્થ પીવડાવી દેતાં યુવતી બેહોશ થઈ ગઈ હતી. બાદમાં તમીમ ખાન અને તેના ત્રણ ફ્રેન્ડ્સે યુવતી પર રેપ કર્યો હતો. શારીરિક સંબંધનો વિડિયો પણ તેમણે શૂટ કર્યો હતો. હોટેલ બાદ યુવતી પર કારમાં પણ બધાએ વારાફરતી રેપ કર્યો હતો. આ ઘટનાથી એન્જિનિયર યુવતી ગભરાઈ ગઈ હતી અને પુણે જતી રહી હતી. જોકે વિડિયો જાહેર કરવાની ધમકી આપીને આરોપીઓએ તેની પાસે રૂપિયાની માગણી કરી હતી એટલે યુવતીએ તેમને ૩૦ લાખ રૂપિયા આપ્યા હતા. રૂપિયા આપ્યા બાદ આરોપીઓએ બે આઇફોનની માગણી કરી હતી. યુવતીએ બદનામીના ડરથી આઇફોન પણ આરોપીઓને લઈ આપ્યા હતા. આમ છતાં આરોપીઓની ડિમાન્ડ વધવા જ લાગી હતી એટલે કંટાળીને યુવતીએ પુણે પોલીસમાં જઈને ગઈ કાલે સવારના આરોપી તમીમ ખાન અને તેના ત્રણ ફ્રેન્ડ્સ સામે ગૅન્ગરેપ કરીને બ્લૅકમેઇલ કરવાની ફરિયાદ નોંધાવી હતી. આ મામલો મુંબઈનો હોવાથી પુણે પોલીસે કાંદિવલી પોલીસ-સ્ટેશનમાં ગૅન્ગરેપની ફરિયાદ ટ્રાન્સફર કરી હતી.
પોલીસ શું કહે છે?
કાંદિવલી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રવીન્દ્ર અડાણેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પુણે પોલીસે અમને સાંજના છ વાગ્યે પુણેની IT એન્જિનિયર યુવતીની ગૅન્ગરેપની ફરિયાદ ટ્રાન્સફર કરી હતી. અમે આરોપીઓને પકડવાના પ્રયાસ શરૂ કર્યા છે.’

