પુણે નજીકના પિંપરી-ચિંચવડના હિંજવડીની હૃદયદ્રાવક ઘટના : ટેમ્પો ટ્રાવેલરના ઇમર્જન્સી દરવાજાનું લૉક ન ખૂલવાને લીધે લોકો બહાર નહોતા નીકળી શક્યા
ગઈ કાલે પુણે નજીકના હિંજવડીમાં સળગી ઊઠેલો ટેમ્પો ટ્રાવેલર.
પુણે નજીકના પિંપરી-ચિંચવડના હિંજવડીમાં ગઈ કાલે સવારે અત્યંત કરુણ ઘટના બની હતી, જેમાં એક જ કંપનીના ચાર કર્મચારીઓ આગમાં ભડથું થઈ ગયા હતા. સવારે ૮ વાગ્યે વ્યોમા ગ્રાફિક્સ નામની કંપનીના ૧૨ કર્મચારીઓ ટેમ્પો ટ્રાવેલરમાં બેસીને ઑફિસ જવા નીકળ્યા હતા ત્યારે અચાનક આગ લાગી હતી અને એમાં ચાર કર્મચારીઓએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે ટેમ્પો ટ્રાવેલરના ડ્રાઇવર સહિત અન્ય કર્ચારીઓઓને ઈજા પહોંચતાં તેમને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
હિંજવડી પોલીસે જણાવ્યા મુજબ હિંજવડીના ફેઝ-વન રોડ પર વ્યોમા ગ્રાફિક્સ નામની કંપનીના ટેમ્પો ટ્રાવેલરમાં ગઈ કાલે સવારે કર્મચારીઓ ઑફિસ આવવા નીકળ્યા હતા. ડ્રાઇવરના પગ પાસે અચાનક આગ લાગી હતી એથી ડ્રાઇવરે ટેમ્પો ટ્રાવેલરની ઝડપ ઓછી કરીને એને રોડની એક બાજુએ ઊભો રાખી દીધો હતો. ટેમ્પોમાં આગળ બેસેલા લોકો અને ડ્રાઇવર ટેમ્પોમાંથી બહાર નીકળી શક્યા હતા. જોકે ટેમ્પોના આગળના ભાગમાં આગ ઝડપથી ફેલાઈ જતાં પાછળ બેસેલા લોકોએ જીવ બચાવવા માટે ટેમ્પોની પાછળના ઇમર્જન્સી દરવાજામાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો, પણ દરવાજો લૉક હતો એટલે ખૂલી નહોતો શક્યો. આથી ૪૨ વર્ષના સુભાષ ભોસલે, ૬૦ વર્ષના શંકર શિંદે, ૪૦ વર્ષના ગુરુદાસ લોકરે અને ૪૦ વર્ષના રાજુ ચવાણ ૧૦૦ ટકા દાઝી જતાં મૃત્યુ પામ્યા હતા. આગની આ ઘટનામાં ટેમ્પો ટ્રાવેલરના ડ્રાઇવર જનાર્દન હમ્બાર્ડિકર, પ્રવીણ નિકમ, ચંદ્રકાંત મલજિત, સંદીપ શિંદે, મંજરી અડકર, નંદકુમાર સાવંત, વિઠ્ઠલ દીઘે અને વિશ્વનાથ ઝોરને ઈજા થતાં તેમને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
શૉર્ટ-સર્કિટને લીધે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે. વ્યોમા ગ્રાફિક્સ નામની કંપનીની માલિકીનો ટેમ્પો ટ્રાવેલર ૨૦૧૫માં ખરીદવામાં આવ્યો હતો. ઇમર્જન્સી દરવાજાનું લૉક કેમ નહોતું ખૂલ્યું? સમયસર સર્વિસિંગ કરાયું હતું કે નહીં? એ બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે.

