લોકોએ તેની પાછળ પડી તેને અટકાવીને મેથીપાક ચખાડી પોલીસને સોંપ્યો હતો
સીસીટીવી ફૂટેજ
કુર્લા જેવી ઘટના હવે પુણેમાં બની છે. એક કન્ટેનર-ડ્રાઇવરે અનેક વાહનો અને લોકોને અડફેટે લેતાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે બીજા ઘણા ઘાયલ થયા છે. લોકોએ તેની પાછળ પડી તેને અટકાવીને મેથીપાક ચખાડી પોલીસને સોંપ્યો હતો.
ચાકણના માણિક ચોકમાં કન્ટેનરે ૩ મહિલાઓને અડફેટે લીધી એ પછી લોકોથી બચવા કન્ટેનરના ડ્રાઇવરે કન્ટેનર દોડાવી મૂક્યું હતું. લોકોએ અને પોલીસે તેનો પીછો કર્યો એથી તેણે વધુ ઝડપે કન્ટેનર ભગાવ્યું જેમાં તેણે અનેક વાહનોને અડફેટે લીધાં હતાં. આગળ તેને રોકવા પોલીસ-વૅન ઊભી હતી એને પણ ઉડાડીને તે આગળ નીકળી ગયો હતો. ચાકણ, રાસે, શેલગાવ, પિંપળગાંવ અને ચૌફુલે ગામમાંથી પસાર થતી વખતે તેણે લોકોને અને વાહનોને અડફેટે લીધાં હતાં. એ શિકરાપુર પહોંચ્યો ત્યારે ત્યાં લોકોએ તેને રોક્યો અને એ પછી પોલીસને હવાલે કર્યો હતો. તેણે અડફેટમાં લીધેલા લોકોમાંના એકનું મોત થયું છે અને બીજા ઘણા ગંભીર ઘાયલ થયા છે. એ ઘટનાનો વિડિયો પણ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે.