Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આવતી કાલે દેશભરમાં ઍમેઝૉન અને ફ્લિપકાર્ટના ‌વિરોધમાં પ્રદર્શન

આવતી કાલે દેશભરમાં ઍમેઝૉન અને ફ્લિપકાર્ટના ‌વિરોધમાં પ્રદર્શન

Published : 05 March, 2023 07:51 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઈ-કૉમર્સમાં વિદેશી કંપનીઓના વધી રહેલા અત્યાચારના વિરોધમાં કેઇટ તરફથી આ આંદોલન કરવામાં આવશે : મુંબઈ અને મહારાષ્ટ્રમાં આ કંપનીઓનાં ૧૦૦થી વધુ પૂતળાં બાળવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક


મુંબઈ : ઈ-કૉમર્સમાં વિદેશી કંપનીઓના વધી રહેલા અત્યાચારના વિરોધમાં કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેઇટ) તરફથી આવતી કાલે દેશભરમાં ઍમેઝૉન અને ફ્લિપકાર્ટના ‌વિરોધમાં વેપારીઓ પ્રદર્શન કરશે. એ અંતર્ગત મહારાષ્ટ્રમાં અને મુંબઈમાં પણ મસ્જિદ બંદરમાં આવેલી ધ રીટેલ ગ્રેન ડીલર્સ કો-ઑપરેટિવ સોસાયટી લિમિટેડની ઑફિસની બહાર વિરોધ-પ્રદર્શન કરવામાં આવશે. ભાતબજારમાં આયોજિત આ પ્રદર્શનમાં હોળીના તહેવારના દિવસે વિદેશી કંપનીઓનાં પૂતળાં બાળવામાં આવશે. મહારાષ્ટ્રભરમાં કેઇટના વેપારી-સભ્યો આવતી કાલે વિદેશી કંપનીઓના વિરોધમાં ૧૦૦ પૂતળાં બાળશે.


આ બાબતની માહિતી આપતાં કેઇટના મુંબઈ વિભાગના ચૅરમૅન રમણીક છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે છેલ્લાં પાંચ વર્ષથી દરેક હોળીના તહેવારના દિવસે વિદેશી કંપનીઓનાં પૂતળાંનું દહન કરીને અમારો વિરોધ દર્શાવીએ છીએ. ઈ-કૉમર્સ કંપનીઓને કારણે રીટેલ અને હોલસેલ વેપારીઓના બિઝનેસ પર બહુ ખરાબ અસર પડી છે. એમાં પણ ખાસ કરીને મોબાઇલ, મોબાઇલ ઍક્સેસરીઝ, કરિયાણાં, મસાલા, એફએમસીજી પ્રોડક્ટ્સ, ગિફ્ટનો સામાન, રેડિમેડ ગાર્મેન્ટ્સ, ફુટવેઅર, ચશ્માં, ઘડિયાળ, દવાઓ અને ફાર્મસી, ઇલેક્ટ્રૉનિક્સ, ફર્નિચર, હોમ ફર્નિશિંગ, રમકડાં, શાકભાજી અને ડ્રાયફ્રૂટ્સ, ખાવા-પીવાનો સામાન, કિચન ઇક્વિપમેન્ટ્સ, ‌બિલ્ડિંગ હાર્ડવેર, ઑફિસ ઇક્વિપમેન્ટ્સ, સ્ટેશનરી, કાગળ, ઇલેક્ટ્રિકલનો સામાન મુખ્ય છે. સરકાર સાથે અનેક વાર આ મુદ્દે ચર્ચા-વિચારણા કરીને માગણી કર્યા પછી પણ સરકાર આ મુદ્દે હજી ગંભીર નથી એટલે અમારે અવારનવાર નાછૂટકે આંદોલન કરવાની ફરજ પડે છે. ઑનલાઇન વિદેશી કંપનીઓ ખુલ્લેઆમ ભારતના કાયદાનો ભંગ કરતી હોવા છતાં સરકાર ભારતના વેપારીઓને ન્યાય મળે એવી કાર્યવાહી કરતી નથી. આ જ પરિસ્થિતિ રહી તો ભવિષ્યમાં નાના વેપારીઓ અને તેમના કર્મચારીઓ રોડ પર આવી જશે, જેના માટે સરકાર જ જવાબદાર ગણાશે.’



જો સરકાર આ વાતને ગંભીરતાથી લઈને એના પર અને અમારી માગણી પર ધ્યાન નહીં આપે તો એ દિવસ દૂર નથી જ્યારે દેશના રીટેલ બિઝનેસનો એક મોટો હિસ્સો વિદેશી કંપનીઓના હાથમાં જતો રહ્યો હશે એમ જણાવીને કેઇટના મુંબઈના અધ્યક્ષ દિલીપ મહેશ્વરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સરકારે ઈ-કૉમર્સ વેપાર પર નજર રાખવા માટે અને તેઓ કાયદાનું ઉલ્લંઘન કરે છે કે નહીં એના અભ્યાસ માટે સેબી અને ટ્રાઇ જેવી અધિકૃત રેગ્યુલેટરી ઑથોરિટીની રચના કરવી જોઈએ. ત્યારે સરકાર વિદેશી ઈ-કૉમર્સ કંપનીઓની મનમાની રોકવામાં સફળ થશે. આ કંપનીઓ ભારતનાં અનેક ક્ષેત્રોની કંપનીઓના બિઝનેસ પર તરાપ મારી રહી છે.’


અમે છેલ્લાં પાંચ વર્ષથી વિદેશી કંપનીઓની સામે આંદોલન કરી રહ્યા છીએ એમ જણાવીને મહારાષ્ટ્રના કેઇટના મહામંત્રી શંકર ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સરકાર આ મુદ્દે ઢીલાશ દર્શાવતી હોવાથી આ કંપનીઓને મોકો મળે છે. અમે ઍમેઝૉન અને ફ્લિપકાર્ટ જેવી વિદેશી કંપનીઓને કર્ણાટક હાઈ કોર્ટ, રાજસ્થાન હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં માત આપી છે. આ સિવાય કૉમ્પિટિશન કમિશન ઑફ ઇન્ડિયા દ્વારા આ કંપનીઓને ૨૦૨ કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આમ છતાં સરકારે નક્કર પગલાં લીધાં નથી, જેને કારણે આ કંપનીઓ બિન્દાસ ભારતના ગ્રાહક કાયદાઓનું ઉલ્લંઘન કરીને આપણા નાના વેપારીઓને બરબાદ કરવાનું કામ કરી રહી છે.’


Whatsapp-channel Whatsapp-channel

05 March, 2023 07:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK