આ કેસમાં અમે નજીકના વિસ્તારમાં લાગેલા CCTVનાં ફુટેજ જોઈને તપાસ કરી રહ્યા છીએ
પ્રતીકાત્મક તસવીર
ભિવંડીના અંજુર ફાટા વિસ્તારમાં ખારબાવ રોડ પર આવેલા મહાવીર આશિષ ઓસવાલ પાર્કમાં રહેતા ૩૪ વર્ષના આશિષ ગુટકા તેમના પરિવાર સાથે દર્શનાર્થે દ્વારકા ગયા હતા ત્યારે તેમના ખાલી ઘરમાંથી આશરે ૪ લાખ રૂપિયાની માલમતા ચોરાઈ ગઈ હોવાની ફરિયાદ નારપોલી પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ છે. પ્રાથમિક માહિતીના આધારે ચાવીથી ઘર ખોલીને ઘૂસ્યા બાદ બેડરૂમમાંનો કબાટ તોડીને ચોરી થઈ છે. પોલીસે નજીકના વિસ્તારમાં લગાડેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસીને વધુ તપાસ હાથ ધરી છે.
આઠ દિવસ માટે હું અને મારો પરિવાર દર્શનાર્થે દ્વારકા ગયા હતા એમ જણાવતાં આશિષ ગુટકાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ૨૩ નવેમ્બરે દ્વારકાધીશનાં દર્શનાર્થે દ્વારકા ગયા હતા. ત્યાંથી અમે રવિવારે સવારે પાછા ફર્યા હતા. ઘર ખોલીને પ્રવેશ્યા ત્યારે બેડરૂમમાં બધો સામાન અસ્તવ્યસ્ત પડ્યો હતો. કબાટ ખુલ્લો હતો અને એને હથોડા વડે તોડી નખાયો હતો. એમાંથી સોનાનું મંગળસૂત્ર, સોનાની ચેઇન, બુટિયાં અને વીંટી સહિત કૅશ રૂપિયા મળીને ચાર લાખ રૂપિયાની માલમતા ચોરાઈ છે. અમે ચોરીની ફરિયાદ નારપોલી પોલીસ-સ્ટેશને નોંધાવી છે.’
ADVERTISEMENT
નારપોલીના એક સિનિયર પોલીસ અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘરનો મેઇન ડોર ચાવીથી ખોલવામાં આવ્યો છે એટલે આરોપી કોઈ જાણભેદુ જ હોય એવી પૂરેપૂરી શક્યતા છે. જો બહારનો કોઈ ચોર હોત તો તે મેઇન ડોરનું લૉક તોડીને ઘૂસ્યો હોત. આ કેસમાં અમે નજીકના વિસ્તારમાં લાગેલા CCTVનાં ફુટેજ જોઈને તપાસ કરી રહ્યા છીએ.’