RTE હેઠળ આ ક્વોટામાં નૉન-એઇડેડ સ્કૂલોને મળતી છૂટ પર બૉમ્બે હાઈ કોર્ટે લગાવી રોક
પ્રતીકાત્મક તસવીર
બૉમ્બે હાઈ કોર્ટે ગઈ કાલે મહારાષ્ટ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી એ અધિસૂચના પર રોક લગાવી દીધી હતી જેમાં પ્રાઇવેટ નૉન-એઇડેડ સ્કૂલોના એક કિલોમીટરના પરિસરમાં જો સરકારી સ્કૂલ હોય તો રાઇટ ટુ એજ્યુકેશન (RTE) ક્વોટા હેઠળ આર્થિક રીતે નબળા વર્ગના સ્ટુડન્ટ્સને પ્રવેશ આપવામાંથી છૂટ મળી હતી. ચીફ જસ્ટિસ ડી. કે. ઉપાધ્યાય અને જસ્ટિસ આરિફ ડૉક્ટરની બેન્ચે જણાવ્યું હતું કે ‘આ મુદ્દો સાર્વજનિક હિત સંબંધી છે અને ૯ ફેબ્રુઆરીએ જાહેર કરાયેલી અધિસૂચના બાળકો માટે મફત અને અનિવાર્ય શિક્ષણ અધિનિયમ, 2009ની જોગવાઈનું ઉલ્લંઘન છે. આ કાયદા મુજબ પ્રાઇવેટ નૉન-એઇડેડ સ્કૂલોમાં પહેલા ધોરણ કે પ્રી-સ્કૂલના ઍડ્મિશનમાં ૨૫ ટકા બેઠકો આર્થિક રૂપથી કમજોર વર્ગનાં બાળકો માટે અનામત રાખવી જોઈએ. આવાં બાળકોને મફત શિક્ષણ મળવું જોઈએ અને એની ફી સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે.’ સરકારે જાહેર કરેલી અધિસૂચનામાં જો પ્રાઇવેટ નૉન-એઇડેડ સ્કૂલની આસપાસના એક કિલોમીટર પરિસરમાં સરકારી સ્કૂલ હોય તો પ્રાઇવેટ સ્કૂલને આ અધિસૂચનાથી છૂટ મળી જતી હતી.