રાજ્યના ૩૦,૫૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનાં ભૂમિપૂજન પણ તેમના હાથે કરવામાં આવશે
અટલ સેતુ
મુંબઈ ઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે મુંબઈ અને નવી મુંબઈ સહિત મહારાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ ભારતની સૌથી લાંબી અને મુંબઈને નવી મુંબઈ સાથે જોડતી ટ્રાન્સ-હાર્બર સી-લિન્ક, ઉરણ રેલવેલાઇન, દિઘા સ્ટેશન, જેમ્સ ઍન્ડ જ્વેલરીના સીપ્ઝના ભારત રત્નમ અને ન્યુ એન્ટરપ્રાઇઝિસ ઍન્ડ સર્વિસિસ ટાવર (નેસ્ટ)નું લોકાર્પણ કરશે. એટલું જ નહીં, વડા પ્રધાન મરીન ડ્રાઇવને ઈસ્ટર્ન ફ્રીવેના ઑરેન્જ ગેટ સાથે કનેક્ટ કરવા માટેની અન્ડરગ્રાઉન્ડ ટનલ સહિતના ૩૦,૫૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન કરવાની સાથે મહિલાઓને સક્ષમ બનાવવા માટે નમો મહિલા સશક્તીકરણ અભિયાન પણ લૉન્ચ કરશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે મુંબઈ અને નવી મુંબઈ સહિત મહારાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા છે. બપોરના ૧૨.૧૫ વાગ્યે તેઓ નાશિક પહોંચશે, જ્યાં ૨૭મા નૅશનલ યુથ ફેસ્ટિવલની શરૂઆત કરાવશે. બપોરના ૩.૩૦ વાગ્યે વડા પ્રધાન મુંબઈ પહોંચશે અને તેઓ ભારતની સૌથી મોટી સી-લિન્ક અટલ બિહારી વાજપેયી શિવડી-ન્હાવા શેવા અટલ સેતુમાં પ્રવાસ કરીને ૪.૧૫ વાગ્યે નવી મુંબઈ પહોંચશે. અહીં આયોજિત કરવામાં આવેલી સભામાં તેઓ ટ્રાન્સ-હાર્બર સી-લિન્ક, ઉરણ રેલવેલાઇન, દિઘા રેલવે સ્ટેશન, જેમ્સ ઍન્ડ જ્વેલરીના સીપ્ઝના ભારત રત્નમ અને ન્યુ એન્ટરપ્રાઇઝિસ ઍન્ડ સર્વિસિસ ટાવર (નેસ્ટ)નું લોકાર્પણ કરશે.
ADVERTISEMENT
વડા પ્રધાનના હાથે ૩૦,૫૦૦ કરોડ રૂપિયાના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સનાં ભૂમિપૂજન કરવામાં આવશે. એમાં મરીન ડ્રાઇવથી ઈસ્ટર્ન ફ્રીવેના ઑરેન્જ ગેટ સુધીની ૯.૨ કિલોમીટર લંબાઈની ટનલ પ્રોજેક્ટનો સમાવેશ છે. આ ટનલ ૮૭૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે. આ ટનલ બની ગયા બાદ મરીન ડ્રાઇવથી ફ્રીવેમાં ઝડપથી પહોંચી શકાશે.
મુંબઈને અડીને આવેલા મીરા-ભાઈંદર અને વસઈ-વિરારની પાણીની સમસ્યાના ઉપાય માટે ૧૯૭૫ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલી સૂર્ય વૉટર પ્રોજેક્ટના પહેલા તબક્કાનું વડા પ્રધાન લોકાર્પણ કરશે. આથી આ વિસ્તારમાં રહેતા લોકોને ફાયદો થશે. આ સમયે વડા પ્રધાન ઉરણ-ખારકોપર રેલવે લાઇનના બીજા તબક્કાનો શુભારંભ પણ કરાવશે.
સાંતાક્રુઝમાં આવેલા સીપ્ઝમાં જેમ્સ ઍન્ડ જ્વેલરી સેક્ટરના ભારત રત્નમ (મેગા કૉમન ફૅસિલિટેશન સેન્ટર)ની શરૂઆત પણ વડા પ્રધાન કરાવશે. આ સેન્ટરમાં ૩ડી મેટલ પ્રિન્ટિંગ કરવા સહિતની વર્લ્ડ ક્લાસ મશીનરી ઉપલબ્ધ કરવામાં આવી છે. સીપ્ઝમાં જ ન્યુ એન્ટરપ્રાઇઝિસ ઍન્ડ સર્વિસિસ ટાવરનું લોકાર્પણ કરાશે.