Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સમુદ્રની લહેરોને ચીરવાની તાકાત છે

સમુદ્રની લહેરોને ચીરવાની તાકાત છે

Published : 13 January, 2024 08:29 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાત વર્ષમાં જ બનેલી દેશની સૌથી લાંબી સી-લિન્કના લોકાર્પણ વખતે કહ્યું કે નીતિ અને નિષ્ઠા હોય તો ગમે એવા પડકારનો સામનો કરી શકાય છે : સલામ કરવા જેવી વાત એ છે કે આ મેગા પ્રોજેક્ટનું ભૂમિપૂજન પણ નરેન્દ્ર મોદીએ કર્યું હતું અને એનુ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અટલ બિહારી વાજપેયી શિવડી-ન્હાવા શેવા અટલ સેતુ પર.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અટલ બિહારી વાજપેયી શિવડી-ન્હાવા શેવા અટલ સેતુ પર.



મુંબઈ ઃ ભારતની સૌથી લાંબી અને મુંબઈને નવી મુંબઈ સાથે જોડતી મુંબઈ ટ્રાન્સ-હાર્બર સી-લિન્કનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે લોકાર્પણ કર્યું હતું. આજે સવારથી મુંબઈગરાઓ આ ૨૧.૮ કિલોમીટર લાંબા ​બ્રિજ પરથી પ્રવાસ કરી શકશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાત વર્ષમાં તૈયાર કરવામાં આવેલી સી-​લિન્ક વિશે કહ્યું હતું કે અમે સમુદ્રની લહેરોને ચીરવાની તાકાત રાખીએ છીએ એનું આ ​બ્રિજ ઉદાહરણ છે. ઇચ્છાશ​ક્તિ, દાનત અને યોગ્ય નીતિ હોય તો કોઈ પણ કામ થઈ શકે છે. મહારાષ્ટ્રમાં આ ​બ્રિજ સહિતના આઠ લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે એનાથી મહારાષ્ટ્રની સાથે દેશ પણ બદલાશે અને આગળ વધશે એવો વિશ્વાસ વડા પ્રધાને વ્યક્ત કર્યો હતો. અગાઉની સરકારમાં માત્ર ભૂમિપૂજન થતાં હતાં, જ્યારે છેલ્લાં ૧૦ વર્ષમાં ભૂમિપૂજનની સાથે લોકાર્પણ કરવાની પરંપરા શરૂ થઈ છે એમ કહીને તેમણે કૉન્ગ્રેસનું નામ લીધા વિના ટીકા કરી હતી.


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે બપોર બાદ મુંબઈ અને નવી મુંબઈને જોડતા ૧૮,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવેલા ભારતના સૌથી લાંબા અટલ બિહારી વાજપેયી શિવડી-ન્હાવા શેવા અટલ સેતુનું લોકાર્પણ કર્યું હતું. બાદમાં નવી મુંબઈમાં પનવેલ પાસે બની રહેલા નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટના ગ્રાઉન્ડમાં વિશાળ સભાને સંબોધિત કરી હતી.
વડા પ્રધાને ૧૮ મિનિટ જેટલા ટૂંકા ભાષણમાં કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રના અર્થતંત્રને ગતિ આપવા માટેની અનેક યોજનાઓ ચાલી રહી છે. અગાઉ અનેક યોજના વર્ષો સુધી લટકી જતી, પણ દેશનો વિકાસ થશે એ મોદીની ગૅરન્ટી છે. અમારી સરકારનું મન સ્વચ્છ છે એટલે આજે દેશમાં સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. ૨૦૧૬ના ડિસેમ્બર મહિનામાં સી-લિન્કનું ભૂમિપૂજન કર્યું ત્યારે કોઈને વિશ્વાસ નહોતો કે આ કામ પૂરું થશે. ભૂમિપૂજન પહેલાં રાયગડમાં છત્રપતિ શિવાજી મહારાજની સમા​ધિ પાસે જઈને મેં સંકલ્પ કર્યો હતો કે કોઈ પણ ભોગે વિકાસની યોજના પૂરી કરીશ. છત્રપતિએ મને આશીર્વાદ આપ્યા હતા એટલે આ કામ પૂરું થયું છે.’



અગાઉની કૉન્ગ્રેસ સરકારની આડકતરી રીતે ટીકા કરતાં વડા પ્રધાને કહ્યું હતું કે ‘બાંદરા-વરલી સી-લિન્ક પૂરી કરવા માટે ૧૦ વર્ષ લગાવ્યાં હતાં. એ સમયે બધાને કામ લટકાવી રાખવાની આદત હતી. બાંદરા-વરલી સી-લિન્ક કરતાં મુંબઈ ટ્રાન્સ-હાર્બર સી-લિન્ક પાંચગણી લાંબી હોવા છતાં માત્ર સાત વર્ષમાં તૈયાર થઈ ગઈ. અગાઉની સરકારની નીયત સારી નહોતી એને કારણે દેશનો વિકાસ ન થઈ શક્યો. અમારી દાનત સાફ છે. આજે મોદીની ગૅરન્ટી દેશના પ્રત્યેક ઘરમાં પહોંચી છે. દસ વર્ષમાં ભારત બદલાયું છે એની ચર્ચા છે. આ પહેલાં ગોટાળાની ચર્ચા હતી.’
સી-લિન્ક વિશે બોલતાં વડા પ્રધાને આગળ કહ્યું હતું કે ‘સી-લિન્ક માત્ર ​બ્રિજ નથી. એના બાંધકામથી ૧૭ હજાર કર્મચારીઓ અને ૧૫૦૦ એન્જિનિયરોને રોજગાર મળ્યો છે. કલકત્તાના પાંચ હાવડા ​બ્રિજ અને અમેરિકાનાં ૬ સ્ટૅચ્યુ ઑફ લિબર્ટી બની શકે એટલું લોખંડ અને પૃથ્વીનાં બે ચક્કર લગાવી શકાય એટલા વાયરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જપાન સરકાર અને ખાસ કરીને જપાનના સદ્ગત વડા પ્રધાન શિન્ઝો આબેના સહયોગ માટે જેટલો આભાર માનવો પડે એટલો ઓછો છે. હિંમત અને દાનત હોય તો સમુદ્રની લહેરને પણ ચીરીને સફળતા મળી શકે છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ આ સી-લિન્ક ​બ્રિજ છે.’


વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં બુલેટ ગતિથી વિકાસ
સી-લિન્ક ​બ્રિજ સહિતના ડેવલપમેન્ટના પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને ભૂમિપૂજનના કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘સી-લિન્ક પર ધરતીકંપની પણ અસર ન થાય એવી ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, પણ લોકસભાની આગામી ચૂંટણીમાં વિરોધીઓને ભૂકંપના આંચકા લાગવાના છે. શિવડી-ન્હાવા શેવા ​બ્રિજ વિજય તરફ લઈ જતો હાઇવે છે. અન્યાય અને અત્યાચારનો અંત કરવા માટે શ્રી રામે રામસેતુ બાંધ્યો હતો. આ સમુદ્રસેતુ અહંકારી લોકોના અહંકારને ખતમ કરનારો ઠરશે એમાં કોઈ શંકા નથી. આજે મહારાષ્ટ્રમાં ડબલ એન્જિનની સરકાર ગતિથી કામ કરી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો બુલેટ ટ્રેનનો ડ્રીમ પ્રોજેક્ટ રોકી દેવામાં આવ્યો હતો. અમે એ ફરી શરૂ કરાવ્યો છે. દેશમાં વડા પ્રધાનના નેતૃત્વમાં બુલેટ ટ્રેનની ગતિથી વિકાસ થઈ રહ્યો છે એ હકીકત કોઈ નકારી ન શકે. પચાસ વર્ષમાં જે ન થઈ શક્યું એ સાડાનવ વર્ષમાં કરીને બતાવ્યું છે.’

મોદીના આવવાથી દેશનો મિજાજ બદલાયો
નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે લોકાર્પણના કાર્યક્રમમાં કહ્યું હતું કે ‘મને સૌથી વધુ આનંદ એ વાતનો છે કે અટલ સેતુનું લોકાર્પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હાથે થયું. તેમણે જ એનું ભૂમિપૂજન કર્યું હતું. આ દેશમાં મોદીરાજ આવ્યા બાદ અટલ સેતુનું કામ પૂરું થઈ શક્યું છે. મોદીરાજ ન હોત તો આ સેતુ ક્યારેય ન બનત. ૧૯૭૩માં સી-લિન્કનો વિચાર મંડાયો અને ૧૯૮૨માં જેઆરડી તાતાની કંપનીએ અલાઇનમેન્ટ કર્યું, પરંતુ ૪૦ વર્ષ કંઈ ન થયું. મોદી વડા પ્રધાન બન્યા બાદ દેશનો મિજાજ બદલાયો, કામ કરવાની સિસ્ટમ બદલાઈ અને એનાથી અનેક કામ જેટ સ્પીડથી થયાં અને થઈ રહ્યાં છે. સી-લિન્કને કોસ્ટલ રોડ, ઑરેન્જ ટનલ, વરલી જનારા ​બ્રિજ, કોસ્ટલ રોડથી બાંદરા, બાંદરા-વરલી સી-લિન્ક, વર્સોવાથી વિરાર, વિરારથી અલીબાગ નવો કૉ​રિડોર જોડવામાં આવશે. વર્ષોના ઇન્તેજાર બાદ પહેલી વખત મુંબઈ અને સબર્બ્સને રિંગ રોડ અને લૂપ રોડ મળશે. ૨૦૧૯માં વડા પ્રધાને સંકલ્પ રજૂ કર્યો હતો કે મુંબઈમાં કોઈ પણ એક જ્યાએથી બીજા સ્થળે ૫૯ મિનિટમાં પહોંચી શકાય એવી વ્યવસ્થા જરૂરી છે. મેટ્રો અને રસ્તાનું નેટવર્ક એ પદ્ધતિથી તૈયાર થઈ રહ્યું છે. આગામી ત્રણથી ચાર વર્ષમાં આ નેટવર્ક તૈયાર થઈ જશે.’



વડા પ્રધાને આ પ્રોજેક્ટનાં લોકાર્પણ-ભૂમિપૂજન કર્યાં
૧. શિવડી-ન્હાવા શેવા સી-લિન્ક
૨. ઘાટકોપર-ઉરણ રેલવે
૩. ​દિઘા રેલવે સ્ટેશન
૪. નવી મુંબઈની બેલાપુર-પેંધાર મેટ્રો
૫. ખાર રોડ-ગોરેગામ છઠ્ઠી રેલવેલાઇન
૬. વસઈ-વિરાર સૂર્યા પાણી પ્રોજેક્ટ
૭. નમો નારી સન્માન મહિલા સશક્તીકરણ યોજના
૮. ભારત રત્નમ – મેગા કૉમન ફૅસિલિટેશન સેન્ટર
૯. ન્યુ એન્ટરપ્રાઇઝિસ ઍન્ડ સ​ર્વિ​સિસ ટાવર
૧૦. ઑરેન્જ ગેટ-મરીન ડ્રાઇવ ટનલ


શિવડીમાં મોદીભક્તો નિરાશા થયા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફ્રીવે પરથી શિવડીમાં સી-લિન્ક સુધી કારમાં પ્રવાસ કરવાના હતા એટલે તેમને જોવા માટે ગઈ કાલે શિવડી જંક્શન પાસે લોકો જમા થયા હતા. કેટલાક લોકો નાની બાળકી સાથે વડા પ્રધાન પસાર થાય એની રાહ જોતા હતા. જોકે વડા પ્રધાનનો કાફલો એલિવેટેડ ફ્રીવેથી ડાયરેક્ટ સી-લિન્ક ગયો હતો એટલે નીચે ઊભા રહેલા લોકો વડા પ્રધાનને જોઈ નહોતા શક્યા. કેટલાક લોકો તો શિવડી રેલવે સ્ટેશનના ​બ્રિજ પર મોદીને જોવા માટે ગોઠવાઈ ગયા હતા. જોકે ફ્રીવે ખૂબ જ ઊંચાઈએ છે એટલે મોદીને તો શું, લોકો તેમની કારનો કાફલો પણ નહોતા જોઈ શક્યા. આથી લોકો નિરાશ થયા હતા. 

Whatsapp-channel Whatsapp-channel

13 January, 2024 08:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK