પ્રાર્થનાસભા ચોપાટીસ્થિત ભારતીય વિદ્યાભવનમાં રવિવારે સવારે ૧૦.૩૦થી ૧૨.૩૦ વાગ્યા દરમ્યાન રાખવામાં આવી છે.
પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય
ગુજરાતી સુગમ સંગીતના દિગ્ગજ ગાયક અને સંગીતકાર પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયનું બુધવારે સાંજે ૪.૨૫ વાગ્યે તેમના પેડર રોડ પર આવેલા એવરેસ્ટ બિલ્ડિંગના નિવાસસ્થાને જૈફ વયને કારણે નિધન થયું હતું. તેમની પ્રાર્થનાસભા ચોપાટીસ્થિત ભારતીય વિદ્યાભવનમાં રવિવારે સવારે ૧૦.૩૦થી ૧૨.૩૦ વાગ્યા દરમ્યાન રાખવામાં આવી છે.
ગુજરાતી સુગમ સંગીતના શોમાં લોકોને ડોલાવતા પુરુષોત્તમભાઈએ ગુજરાતી ફિલ્મો અને નાટકોમાં પણ સંગીત આપ્યું હતું. તેમણે ૧૭૫ જેટલા ગુજરાતી કવિઓની ૭૦૦ જેટલી રચનાઓને સ્વરબદ્ધ કરી હતી. તેમણે અનેક નાનાં-મોટાં ગુજરાતી ગાયક-ગાયિકાઓ પાસે ગીતો ગવડાવ્યાં હતાં. શાસ્ત્રીય સંગીતની તાલીમ લઈ ગુજરાતી સંગીતકાર અવિનાશ વ્યાસ પાસે વર્ષો સુધી સાધના કરી પુરુષોત્તમભાઈએ પોતાની આગવી કેડી કંડારી હતી. તેમણે લતા મંગેશકર, મોહમ્મદ રફી, આશા ભોસલે, ઉષા મંગેશકર, મહેન્દ્ર કપૂર જેવાં ગાયક-ગાયિકાઓ પાસે અનેક ગુજરાતી ગીતો ગવડાવ્યાં હતાં અને એ ગીતો લોકપ્રિય પણ થયાં હતાં.