રાજ્યની કુલ ૫૦ આરટીઓ ઑફિસમાંથી ૧૪ ઑફિસનો ફેલ્યર-રેટ એક ટકા કરતાં પણ ઓછો છે
ફાઇલ તસવીર
ડ્રાઇવિંગ લાઇસન્સ ઇશ્યુ કરવામાં બેદરકારી અને કાયદાનું પર્યાપ્ત પાલન ન કરવાને કારણે રાજ્યમાં માર્ગ-અકસ્માતમાં થતાં મૃત્યુના પ્રમાણમાં વધારો નોંધાયો હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું હતું.
મહારાષ્ટ્ર પરિવહન વિભાગ દ્વારા શૅર કરવામાં આવેલી આંકડાકીય માહિતી મુજબ લાઇસન્સની અરજી કરનારા ૩૨.૦૪ લાખ લોકોમાંથી ૯૭.૨૪ ટકા લોકોએ ટેસ્ટ પાસ કરી છે, જ્યારે કે ૨.૪ ટકા ફેલ થયા છે તેમ જ ૦.૩૬ ટકા લોકોએ ફરી પરીક્ષા આપી નથી.
રાજ્યની કુલ ૫૦ આરટીઓ ઑફિસમાંથી ૧૪ ઑફિસનો ફેલ્યર-રેટ એક ટકા કરતાં પણ ઓછો છે, જ્યારે માત્ર છ ઑફિસનો ફેલ્યર-રેટ પાંચ ટકા કરતાં વધુ છે. સૌથી ગંભીર હકીકત એ છે કે કેટલીક આરટીઓ ઑફિસમાં ફેલ્યર-રેટ ૦.૫ ટકા કરતાં પણ નીચો છે, જ્યારે કેટલીક ઑફિસમાં સાત-આઠ ટકા કરતાં પણ વધુ છે. રાજ્યના માર્ગો પર અકસ્માતના વધતા જતા પ્રમાણને જોતાં નિષ્ણાતોએ પ્રશ્ન કર્યો કે આટલા બધા ડ્રાઇવરો ટેસ્ટ પાસ કરી રહ્યા છે તો અકસ્માતનું પ્રમાણ કેમ ઊંચું છે?
ADVERTISEMENT
યુનાઇટેડ વે મુંબઈ એનજીઓના પ્રોજેક્ટ ડિરેક્ટર અજય ગોવાલેએ કહ્યું હતું કે રોજેરોજ અકસ્માતના સમાચારો અને એમાં થયેલી જાનહાનિની વિગતો જોતાં લાગે છે કે લાઇસન્સ ઇશ્યુ કરવાની પ્રક્રિયામાં સુધારો કરવાની આવશ્યકતા છે, જેથી માત્ર તાલીમી ડ્રાઇવરો જ લાઇસન્સ મેળવી શકે.
વ્યક્તિના ડ્રાઇવિંગ કૌશલ અને ટ્રાફિકના નિયમો અને નિયંત્રણો વિશેના જ્ઞાનની ચકાસણી કરવા માટે આરટીઓ દ્વારા ટેસ્ટ લેવામાં આવતી હોય છે. જોકે એ પહેલાં શિખાઉ ડ્રાઇવર માટેનું લર્નિંગ લાઇસન્સ મેળવવાનું હોય છે, જે છ મહિના માટે માન્ય હોય છે. આશ્ચર્યની વાત એ છે કે ૨૦૨૨માં ડ્રાઇવિંગ લાઇસન્સની ટેસ્ટની તુલનાએ લર્નિંગ લાઇસન્સની ટેસ્ટમાં ફેલ થનારાની સંખ્યા વધુ હતી.
નિષ્ણાતોએ એવો આક્ષેપ કર્યો હતો કે મોટા ભાગની આરટીઓ ઑફિસમાં ડ્રાઇવિંગ ટેસ્ટ માત્ર એક ઔપચારિકતા બની રહી છે. મોટા ભાગના લોકોને તેમની કાબેલિયત ચકાસ્યા વિના જ લાઇસન્સ ઇશ્યુ કરવામાં આવતું હોય છે. દરેક નબળો ડ્રાઇવર પોતાની સાથે અન્યોના જીવને પણ જોખમમાં મૂકે છે એમ જણાવીને પુણેના એનજીઓ પરિસરના પ્રોજેક્ટ ડિરેક્ટર રણજિત ગાડગિલે ઉમેર્યું હતું કે આ પ્રકારના અસુરક્ષિત અને અયોગ્ય ડ્રાઇવરો સાથે ૨૦૨૫ કે પછી ૨૦૩૦ સુધીમાં દેશમાં રોડ-અકસ્માતથી થતાં મૃત્યુ અડધા કરતાં વધુ ઘટાડવાની વાત કલ્પના માત્ર છે.