પહોરાદેવી મંદિરના મહંત કોરોના પૉઝિટિવ હોવા છતાં હજારોની મેદનીમાં હાજર
પૂજા ચવાણ
પૂજા ચવાણ અપમૃત્યુ કેસમાં રાજ્યના વનપ્રધાન સંજય રાઠોડનું નામ ઊછળ્યા બાદ બંજારા સમાજના પ્રધાન તેમના સમાજના વાશિમ જિલ્લામાં આવેલા પહોરાદેવીનાં દર્શને ગયા હતા ત્યારે તેમના હજારો સમર્થકો હાજર રહ્યા હતા. એટલું જ નહીં, ત્યાં ભેગી થયેલી હકડેઠઠ મેદનીમાં સોશ્યલ ડિસ્ટન્સિંગનો તો છેદ ઊડી જ ગયો હતો અને અનેક લોકોએ માસ્ક પણ ન પહેરીને કોરોનાને આમંત્રણ આપ્યું હતું. હવે એવા સમાચાર આવ્યા છે કે એ પ્રસંગ વખતે હાજર રહેલા મંદિરના મહંત કબીરદાસજીને તો ૨૧ તારીખે જ કોરોના પૉઝિટિવ આવ્યો હતો અને એમ છતાં તે ૨૩ ફેબ્રુઆરીએ સંજય રાઠોડ અને તેમના પરિવાર સાથે લગોલગ જોવા મળ્યા હતા. મહંત કબીરદાસજીના પરિવારમાં પણ ૩ જણને કોરોના થયો છે. આમ કોરોના થયો હોવા છતાં બેદરકારી દાખવવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. હવે જિલ્લા પ્રસાશન દ્વારા ત્યાં કૅમ્પનું આયોજન કરાયું છે, પણ ઍઝ યુઝવલ છેલ્લા પાંચ દિવસમાં ત્યાં માત્ર ૩૦ જણે ટેસ્ટ કરાવી છે અને તેમાંના ૮ જણ કોરોનાગ્રસ્ત હોવાનું જણાઈ આવ્યું છે. એમાં મહંત કબીરદાસ અને તેમના પરિવારનો પણ સમાવેશ થાય છે.
આ વિશે માહિતી આપતાં વાશિમ જિલ્લાના મેડિકલ ઑફિસર ડૉ. અવિનાશ અહેરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે કોઈને ટેસ્ટ કરાવવા ન કહી શકીએ. અમે ગામમાં અમારો કૅમ્પ રાખ્યો છે. જે લોકો આવે છે એની આરટીપીસીઆર ટેસ્ટ કરીએ છીએ. અમે લોકોને આહવાન કર્યું છે કે જેને તાવ આવતો હોય કે શરદી હોય તે આવીને ટેસ્ટ કરાવે. જોકે અમે એ માટે કોઈને ફોર્સ ન કરી શકીએ.’

