તુલસીવાડીમાં આખી રાત ખુલ્લા રહેતા ડિપાર્ટમેન્ટલ સ્ટોર પર પિક-અપ માટે આવતા બાઇકરોને લીધે તેમની ઊંઘ ઊડી ગઈ હતી, પણ રવિવારે આંદોલન કર્યા પછી પોલીસની ઍક્શનને લીધે મળી રાહત
તાડદેવ વિસ્તારમાં મુંબઈ સેન્ટ્રલ પાસે એક ડિપાર્ટમેન્ટલ સ્ટોર સામે આંદોલન પર ઊતરેલા તુલસીવાડી વિસ્તારના રહેવાસીઓ અને મદદે આવેલા મંગલ પ્રભાત લોઢા.
મુંબઈ સેન્ટ્રલ પાસે આવેલી તુલસીવાડીમાં બે વર્ષ પહેલાં રાઉન્ડ ધ ક્લૉક ખુલ્લો રહેતો ઑનલાઇન ડિપાર્ટમેન્ટલ સ્ટોર શરૂ થયો છે ત્યારથી આ વિસ્તારમાં રહેતા આઠ સોસાયટીના ૪૦૦થી વધુ પરિવારોની શાંતિ હણાઈ ગઈ છે. એટલું જ નહીં, આ ડિપાર્ટમેન્ટલ સ્ટોર સાથે સંકળાયેલા સેંકડો ડિલિવરી-બાઇકરોના રૅશ ડ્રાઇવિંગને લીધે આ વિસ્તારમાં આવેલાં આર્યનગર અને જનતાનગરમાં રહેતાં બાળકો અને સિનિયર સિટિઝનો પોતે અસુરક્ષિત બની ગયાં હોવાનો અહેસાસ કરી રહ્યાં છે. આની સામે પહેલાં હાથપગ જોડીને અને પછી પોલીસમાં ફરિયાદ કરવા છતાં કોઈ સકારાત્મક પરિણામ ન આવવાથી રવિવારે આ રહેવાસીઓ રોડ પર ઊતરી આવ્યા હતા. જોકે મલબાર હિલ વિસ્તારના ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય મંગલ પ્રભાત લોઢાની મધ્યસ્થીથી પોલીસે રહેવાસીઓને સેફ્ટી અને શાંતિ માટે સહાયરૂપ થવાની હૈયાધારણા આપ્યા પછી રહેવાસીઓ રોડ પરથી હટ્યા હતા. આંદોલન પછી તાડદેવ પોલીસ ઍક્શનમાં આવી હતી અને છેલ્લા બે દિવસથી આ રહેવાસીઓ શાંતિની નીંદર લઈ રહ્યા છે.