ભાઈંદરમાં રેલવે-ટ્રૅક પર માથું મૂકીને સુસાઇડ કરનારા ગુજરાતી પિતા-પુત્રનો કેસ સૉલ્વ કરીને પોલીસે કર્યો ચોંકાવનારો ખુલાસો
આઠમી જુલાઈએ સવારે ૧૧.૩૦ વાગ્યે આત્મહત્યા કરવા જઈ રહેલા હરીશ મહેતા અને તેમનો પુત્ર જય
જય મહેતા એક મુસ્લિમ મહિલા સાથે છેલ્લાં ૧૦ વર્ષથી રિલેશનમાં હતો, પણ તેનો એ સંબંધ પરિવાર નહીં સ્વીકારે એની તેને ખબર હોવાથી પ્રેમિકાની જાણ બહાર તેણે ૨૦૨૩માં બીજી મહિલા સાથે લવ-મૅરેજ કરી લીધાં હતાં. પ્રેમિકાને એની જાણ થતાં તેણે જય પર પત્નીને છોડી દેવાનું પ્રેશર કર્યું એટલું જ નહીં, મામલો પત્ની સુધી પહોંચતાં જય જબરદસ્ત ટેન્શનમાં આવી ગયો અને તેણે પપ્પાને બધી વાત કરી દીધી. ત્યાર બાદ કોઈ રસ્તો ન દેખાતાં બદનામીના ડરથી પિતા-પુત્રએ જીવન ટૂંકાવ્યું હોવાના નિષ્કર્ષ પર આવી પોલીસ.
નાલાસોપારાના રશ્મિ દિવ્યા કૉમ્પ્લેક્સમાં રહેતા પિતા હરીશ અને પુત્ર જય મહેતાએ ભાઈંદર રેલવે-સ્ટેશન પાસે ૮ જુલાઈએ કરેલી આત્મહત્યા બદનામીના ડરથી કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો વસઈ ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ કર્યા બાદ હવે એણે આ બદનામી કયા કારણસર થવાની હતી એનો પહેલી વાર ફોડ પાડ્યો છે.
ADVERTISEMENT
તપાસ દરમ્યાન પોલીસને જાણવા મળ્યું હતું કે ‘છેલ્લાં દસ વર્ષથી જયનાં રિલેશન એક મુસ્લિમ મહિલા સાથે હતાં. જોકે જયે ૨૦૨૩માં બીજી મહિલા સાથે લવ-મૅરેજ કર્યાં હોવાની માહિતી મુસ્લિમ મહિલાને મળતાં તેણે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની ભાવના વ્યક્ત કરીને તે સતત જય પર દબાણ લાવતી હતી. તેણે જયને પત્નીને છોડી દેવા કહ્યું એને લીધે જય સતત ટેન્શનમાં રહેતો હતો. થોડા સમય પહેલાં તેણે પિતા હરીશ મહેતાને આ સંદર્ભે વાત કરી હતી. ત્યાર બાદ આમાંથી કોઈ રસ્તો ન દેખાતાં છેવટે તેમણે જીવન ટૂંકાવવાનો નિર્ણય કર્યો હતો.
હરીશભાઈનાં પત્નીના મૃત્યુ બાદ પિતા-પુત્રનું જબરદસ્ત બૉન્ડિંગ હોવાથી બદનામીના ડરથી બન્ને જણે અંતિમ પગલું ભર્યું હોવાનું પોલીસનું માનવું છે અને આ જ નિષ્કર્ષના આધારે હવે પોલીસ તપાસ પર પૂર્ણવિરામ મૂકવાની તૈયારી કરી રહી છે.
જયની ઑફિસમાંથી મળેલી ડાયરીમાં તેણે મુસ્લિમ પ્રેમિકા અને પત્ની અંજલિની માફી માગી લીધી છે એમ જણાવતાં વસઈ GRPના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જય ૨૦૧૩માં વડાલાની એક કંપનીમાં નોકરી કરતો હતો ત્યારે તેની મુલાકાત એ જ કંપનીમાં કામ કરતી એક મુસ્લિમ મહિલા સાથે થઈ હતી. ત્યાર બાદ તેમની વચ્ચે મિત્રતા થયા બાદ પ્રેમસંબંધ બંધાયા હતા. અંતે બન્નેએ લગ્ન કરવાનું નક્કી કરીને મૅરેજનું એક ઍફિડેવિટ પણ બનાવ્યું હતું. જોકે જયને ખબર હતી કે તેના આ સંબંધને પરિવારમાંથી સ્વીકૃતિ નહીં મળે એટલે તેણે ૨૦૨૩માં અંજલિ સાથે લગ્ન કરી લીધાં હતાં.’
અંજલિને ત્રણ મહિના પહેલાં જયની એક પ્રેમિકા પણ હોવાની માહિતી મળ્યા બાદ એ મહિલાએ આખા પરિવાર પર દબાણ લાવવાની કોશિશ કરી હતી એમ જણાવતાં વસઈ GRPના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૦૧૫માં અંજલિ અને જય એક કંપનીમાં નોકરી કરતાં હતાં ત્યારથી બન્ને એકમેકને ઓળખતાં હતાં. ૨૦૧૭માં જ્યારે જયની મમ્મીનું મૃત્યુ થયું ત્યારે પણ બન્નેની વાતો થઈ હતી. જોકે ત્યાર બાદ બન્ને વચ્ચે ખાસ કોઈ બોલચાલ નહોતી થતી. ૨૦૨૩ની શરૂઆતમાં ઇન્સ્ટ્રાગ્રામ પર અંજલિને જયે મેસેજ કર્યા બાદ તેઓ નજીક આવ્યાં હતાં અને તેમની વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હોવાથી બન્ને પરિવારની મરજીથી લગ્ન થયાં હતાં. આ વર્ષના માર્ચ મહિનાની શરૂઆતમાં જયનો મોબાઇલ ચાર્જિંગમાં હતો ત્યારે અંજલિએ મુસ્લિમ મહિલા સાથેની ચૅટ જોઈ હતી. અંજલિએ જ્યારે જયને આ બાબતે પૂછ્યું ત્યારે તેણે આ મારું પાસ્ટ છે એમ કહીને વાતને ટાળી દીધી હતી. જૂનમાં જયની પ્રેમિકાએ અંજલિને તેની જય સાથેની થયેલી ચૅટનો સ્ક્રીન-શૉટ શૅર કર્યો હતો. એ જોયા બાદ અંજલિએ જયની પ્રેમિકાને મૂવઑન કરવાની સલાહ આપી હતી, પણ એ પ્રેમિકાએ જયનો પીછો છોડ્યો નહોતો. બન્નેએ વાતો ચાલુ જ રાખી હતી. તેમની વાતચીતમાં તે જયને સતત કહેતી હતી કે તેં મને જાણ કર્યા વગર જ લગ્ન કરી લીધાં છે, મારી સાથે છેતરપિંડી કરી છે.’
આબરૂ ન જાય એના ડરથી અંતિમ પગલું ભર્યું છે એમ જણાવતાં આ કેસ સાથે સંકળાયેલા GRPના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રેમિકા વારંવાર જય અને તેની પત્નીને ફોન કરતી હોવાથી જયે આ ઘટનાની જાણ તેના પિતાને કરી હતી એટલું જ નહીં, ૧૦ જુલાઈએ આ પ્રેમિકા જય અને તેના પિતાને મળવાની હતી, પણ એ પહેલાં જ બાપ-દીકરાએ ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી હતી. એક બાજુ પ્રેમિકા જય અને તેની પત્ની પર પ્રેશર લાવી રહી હતી તો બીજી બાજુ હરીશભાઈને પોતાની પ્રતિષ્ઠાની ચિંતા હોવાથી ૧૦મીએ જયની પ્રેમિકા સોસાયટીમાં આવે અને કોઈ હંગામો કરે તો બદનામી થાય એવા ડરથી બન્ને જણે આત્મહત્યા કરી હોવાના નિષ્કર્ષ પર અમે આવ્યા છીએ. આ કેસમાં કોઈની ફરિયાદ ન હોવાથી હવે અમે એની તપાસ બંધ કરવાની તૈયારી કરી રહ્યા છીએ.’