વધુ ને વધુ લોકો ફરિયાદ નોંધાવી રહ્યા હોવાથી ૧૦૦૦ કરોડ રૂપિયાનું આ સ્કૅમ હોવાની શક્યતા
ગઈ કાલે ટોરેસ જ્વેલરી બ્રૅન્ડની ખિલાફ ફરિયાદ નોંધાવવા BJPના નેતા કિરીટ સોમૈયા સાથે પોલીસ-કમિશનરની ઑફિસે ગયેલા ઇન્વેસ્ટરો. (તસવીર - શાદાબ ખાન)
દાદરમાં આવેલા ટોરેસ સ્ટોરના માલિક અને પદાધિકારીઓ સામે શિવાજી પાર્ક પોલીસે ફરિયાદ નોંધીને એક ડિરેક્ટર અને બે સિનિયર એક્ઝિક્યુટિવની ધરપકડ કર્યા બાદ ગઈ કાલે ભાઈંદરના નવઘર પોલીસ સ્ટેશનની હદમાં શરૂ કરવામાં આવેલા ટોરેસ સ્ટોરના માલિક-સંચાલકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. નવઘર પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ ટોરેસ સ્ટોરના નવ કરોડ રૂપિયા સાથેનાં બે બૅન્ક-અકાઉન્ટ સીલ કર્યાં છે.
મીરા ભાઈંદર વસઈ વિરાર પોલીસના ડેપ્યુટી પોલીસ કમિશનર પ્રકાશ ગાયકવાડ (ઝોન-૧)એ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભાઈંદર ઈસ્ટમાં ગોડદેવ નાકા પાસે ટોરેસ સ્ટોર શરૂ કરવામાં આવ્યો હતો જેમાં અસંખ્ય રોકાણકારોએ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હોવાનું જણાઈ આવ્યું છે. કેટલાક રોકાણકારોએ ફરિયાદ નોંધાવ્યા બાદ ટોરેસ સ્ટોરના બૅન્કનાં બે અકાઉન્ટ સીલ કરવામાં આવ્યાં છે. એક અકાઉન્ટમાં ૭.૪ કરોડ અને બીજા અકાઉન્ટમાં ૧.૭૭ કરોડ રૂપિયા છે. આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.’
ADVERTISEMENT
પ્લૅટિનમ હર્ન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીની ટોરેસ જ્વેલરી બ્રૅન્ડ છે. ટોરેસ જ્વેલરી બ્રૅન્ડનો પલાયન થઈ ગયેલો ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર તૌફિક રિયાઝ ઉર્ફે જૉન કાર્ટર યુક્રેનનો વતની હોવાનું પોલીસની તપાસમાં જણાઈ આવ્યું છે.
અસંખ્ય રોકાણકારો વિવિધ પોલીસ સ્ટેશનમાં ટોરેસ જ્વેલરી બ્રૅન્ડ સામે ફરિયાદ નોંધાવવા આગળ આવી રહ્યા છે એના પરથી આ ૧૦૦૦ કરોડ રૂપિયાનું સ્કૅમ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.