છેલ્લા પાંચ મહિનામાં ૮૦૦૦ કિલો કરતાં વધારે ગૌમાંસનો જથ્થો પકડી ૧૧ આરોપી સામે કાર્યવાહી કરી હોવાનો ચોંકાવનારો આંકડો બહાર આવ્યો છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
નવઘર પોલીસે મુલુંડના આનંદનગર ટોલનાકા પર વાહન ચેકિંગ દરમ્યાન છેલ્લા પાંચ મહિનામાં ૮૦૦૦ કિલો કરતાં વધારે ગૌમાંસનો જથ્થો પકડી ૧૧ આરોપી સામે કાર્યવાહી કરી હોવાનો ચોંકાવનારો આંકડો બહાર આવ્યો છે.
ગૌમાંસ પર પોલીસની નજર ન પડે એ માટે પ્રાઇવેટ કારમાં એ લઈ જવામાં આવતું હતું એટલું જ નહીં, ગૌમાંસને એવી રીતે કારમાં કવર કરવામાં આવતું કે બાજુમાં ઊભેલી વ્યક્તિને એની વાસ પણ ન આવે.
ADVERTISEMENT
મુલુંડના આનંદનગર ટોલનાકા પરથી રવિવારે સાંજે ૬૦૦ કિલો ગૌમાંસનો જથ્થો જપ્ત કરી અમન પઠાણ અને મુસ્તાક શેખની ધરપકડ કરવામાં આવી હતી, એમ જણાવતાં નવઘર પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નાકાબંધી વખતે રવિવારે સાંજે સાડાઆઠ વાગ્યે એક શંકાસ્પદ ઇનોવા કારની તપાસ કરવામાં આવી ત્યારે એમાંથી ૬૦૦ કિલો ગૌમાંસનો જથ્થો મળી આવ્યો હતો. ત્યાર બાદ વધુ તપાસ કરતાં આરોપીઓએ પોલીસને કહ્યું હતું કે ‘તેમને અહમદનગરના સંગમનેર જિલ્લામાંથી માંસ ભરેલી કાર આપવામાં આવી હતી અને મુંબઈના ભાયખલામાં અલ્તાફ કુરેશીને ડિલિવરી આપવાનું કહેવામાં આવ્યું હતું.’ અંતે પોલીસે બન્ને આરોપીને તાબામાં લઈને વાહન જપ્ત કર્યું હતું.
નવઘર પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર મદન પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી ટીમો આવા કેસમાં આ જથ્યો ક્યાંથી આવતો અને એને ક્યાં લઈ જવામાં આવતો એની તપાસ કરીને આરોપીઓ સુધી પહોંચીને આખું ષડ્યંત્ર ખુલ્લું પાડવાનું કામ કરતી હોય છે. છેલ્લા પાંચ મહિનામાં અમે ૮૦૦૦ કિલો કરતાં વધારે ગૌમાંસનો જથ્થો જપ્ત કરી ૧૧ આરોપી સામે કાર્યવાહી કરી છે.’