કલ્યાણ-વેસ્ટમાં પત્રી પુલ નજીક કોડીન ફૉસ્ફેટ નામની સિરપની બૉટલ નશા માટે વેચાતી હોવાની માહિતીના આધારે શનિવારે સાંજે ઇરફાન સામદીન શેખ અને સોહેલ હરુન શેખની પોલીસે ધરપકડ કરી
શનિવારે રાતે ધરપકડ કરેલા આરોપીઓ.
કલ્યાણ-વેસ્ટમાં પત્રી પુલ નજીક કોડીન ફૉસ્ફેટ નામની સિરપની બૉટલ નશા માટે વેચાતી હોવાની માહિતીના આધારે શનિવારે સાંજે ઇરફાન સામદીન શેખ અને સોહેલ હરુન શેખની પોલીસે ધરપકડ કરીને કોડીન ફૉસ્ફેટ સિરપની ૧૯૨ બૉટલ જપ્ત કરી હતી. કલ્યાણ ઝોન-૩ના ડેપ્યુટી પોલીસ-કમિશનર (DCP) અતુલ ઝેંડેને મળેલી ગુપ્ત માહિતીના આધારે પત્રી પુલ વિસ્તારમાં છટકું ગોઠવીને આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા. આરોપીઓએ વગર બિલે આ બૉટલો ક્યાંથી મેળવી એની તપાસ હાથ ધરવામાં આવી છે.
બન્ને આરોપીઓ કલ્યાણના પત્રી પુલ વિસ્તારના છે એમ જણાવતાં કલ્યાણ ઝોન-૩ના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘DCP અતુલ ઝેંડેને ગુપ્ત સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે લાઇસન્સ વગર બે લોકો પત્રી પુલ વિસ્તારમાં નશા માટે સિરપની બૉટલનું ગેરકાયદે વેચાણ કરી રહ્યા હતા. એના આધારે નજીકના પોલીસ-સ્ટેશનને જાણ કર્યો વગર DCPએ સ્પેશ્યલ ટીમ બનાવી શનિવારે પત્રી પુલ નજીકના એક ઘરમાં છાપો માર્યો હતો જ્યાંથી કફ માટે વપરાતી સિરપની ૧૯૨ બૉટલ જપ્ત કરીને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.’