પનવેલ-માથેરાન રોડ પર અદઈ ગામનો અડધો ડુંગર ચડ્યા ત્યાં સુધી તડકો હતો, પછી વરસાદ આવતાં અધવચ્ચે ફસાઈ ગયા : પોલીસને ફોન કરતાં એણે અને ફાયર-બ્રિગેડે તેમને બચાવી લીધા
ખાંડેશ્વર પોલીસ અને રેસ્ક્યુ કરનાર ફાયર-બ્રિગેડના જવાનો સાથે બન્ને ગ્રુપના યંગસ્ટર્સ.
વરસાદની સીઝન શરૂ થતાં જ મુંબઈગરાઓ પ્રકૃતિની સાથે વરસાદની મોજ માણવા ટ્રેકિંગ પર નીકળી પડે છે. જોકે લોકલ ગાઇડની મદદ વગર ટ્રેકિંગ પર જવું જોખમી થઈ શકે છે. ભાઈંદર-ઈસ્ટમાં રહેતાં ગુજરાતી છોકરા-છોકરીઓનું ગ્રુપ પનવેલ-માથેરાન રોડ પર આવેલા અદઈ ગામનો ડુંગર ચડવા ગયું હતું. અડધો ડુંગર ચડ્યા ત્યાં સુધી ખુશનુમા તડકો હતો, પણ પછી મોસમે પલટો મારતાં વરસાદ આવ્યો હતો અને તેઓ અધવચ્ચે ફસાઈ ગયાં હતાં. ત્યારે એમાંની એક છોકરીએ પ્રેઝન્સ ઑફ માઇન્ડ દાખવીને પોલીસ કન્ટ્રોલને મદદ માટે ફોન કર્યો હતો. ખાંડેશ્વર પોલીસે તેમને ધીરજ બંધાવી હતી અને મદદ માટે પહોંચીને તેમને બચાવી લીધાં હતાં. આ ગ્રુપ તો બચી ગયું, પણ બીજા ટ્રેકર્સ ધ્યાન રાખે એમ ખાંડેશ્વર પોલીસે જણાવ્યું હતું. ખાંડેશ્વર પોલીસે ગઈ કાલે કુલ બે ગ્રુપનું રેસ્ક્યુ ઑપરેશન કરીને કુલ ૯ જણને બચાવી લીધા હતા.
ભાઈંદરના ફ્રેન્ડ્સના એ ગ્રુપમાં બે છોકરી અને બે છોકરા હતાં. એમાંના લય ગોસરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે લોકોએ યુટ્યુબ પર સર્ચ કરીને ટ્રેકિંગ માટે અદઈના વૉટરફૉલ પર જવાનું નક્કી કર્યું હતું અને ઘરેથી કહીને પણ નીકળ્યાં હતાં. સવારના આઠ વાગ્યે અમે અદઈ પહોંચી ગયાં હતાં. એ વખતે ખુશનુમા વાતાવરણ હતું અને સૂર્ય પણ હતો. વરસાદ હોય તો જ વૉટરફૉલ પર જઈ શકાય એમ હતું એટલે અમે ત્યાં જવાનું કૅન્સલ કરીને ફક્ત ટ્રેકિંગ કરવાનું નક્કી કર્યું અને ડુંગર ચડવાનું શરૂ કર્યું. અડધો ડુંગર ચડી ગયા બાદ વરસાદ ચાલુ થયો હતો. આ ડુંગર ઓપન છે જેમાં માટી, પથરા અને ઘાસ છે. ત્યાં ઝાડ કે જંગલ નથી. જોકે વરસાદને કારણે એ આખો પરિસર લપસણો થઈ ગયો હતો અને અમે અટવાઈ ગયાં હતાં. ન ઉપર જઈ શકીએ, ન નીચે ઊતરી શકીએ એવી પરિસ્થિતિ હતી. અમારી સાથેની છોકરીઓ ગભરાઈ ગઈ હતી. એમાંથી એક જણે પોલીસને ફોન કરીને મદદ માગી હતી. એ પછી પોલીસને અમે અમારું લોકેશન શૅર કર્યું હતું અને એ લોકોની ટીમે આવીને અમને સુખરૂપ નીચે ઉતાર્યાં હતાં.’ બીજું ગ્રુપ પનવેલના કોનગાંવનું હતું. એ ગ્રુપ વૉટરફૉલ પર અટવાયું હતું. તેમના તરફથી પણ બચાવવા માટે કૉલ આવતાં એ ગ્રુપને પણ બચાવી લેવામાં આવ્યું હતું.

