આ કેસમાં પોલીસે બન્નેને નોટિસ આપીને આ કેસની તપાસ હાથ ધરી છે.
આ શ્વાનની ક્રિકેટ બૅટથી મારઝૂડ કરવામાં આવી હતી. એક્સ-રેમાં શ્વાનનું હાડકું ભાંગી ગયેલું જોવા મળ્યું હતું.
બોરીવલી-વેસ્ટના એસ. વી. રોડ પર દત્તાણી સોસાયટીમાં રહેતાં ૩૫ વર્ષનાં ગાયત્રી નિસારે સોસાયટીના એક કૂતરાને બૅટથી ફટકારનાર વૈભવ કારિયા અને હિમાંશુ ઠક્કર સામે બોરીવલી
પોલીસ-સ્ટેશનમાં સોમવારે ફરિયાદ નોંધાવી હતી. ૧ સપ્ટેમ્બરે હિમાંશુ અને વૈભવ સોસાયટીમાં ક્રિક્રેટ રમી રહ્યા હતા ત્યારે તેમણે બૅટ વડે શ્વાનની મારઝૂડ કરી હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. જોકે આ કેસમાં પોલીસે બન્નેને નોટિસ આપીને આ કેસની તપાસ હાથ ધરી છે.
અમારી સોસાયટીમાં ફરતા કૂતરાની બૅટથી મારઝૂડ કરવામાં આવી ત્યારથી એ બરાબર ચાલી શકતો ન હોવાથી મેં એનો એક્સ-રે કરાવ્યો હતો જેમાં ફ્રૅક્ચર હોવાનું જાણવા મળ્યું હતું એમ જણાવતાં ગાયત્રી નિસારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧ સપ્ટેમ્બરે બપોરે સોસાયટીમાં અમુક લોકો ક્રિક્રેટ રમી રહ્યા હતા ત્યારે મારી સામે વૈભવ અને હિમાંશુએ તેમના હાથમાં રહેલા ક્રિક્રેટ-બૅટ વડે શ્વાનના પાછળના ભાગમાં ફટકા માર્યા હતા. એ પછી એ બીજા દિવસથી ચાલી શકતો નહોતો એટલે મેં એની સારવાર કરાવવાનું બન્નેને કહ્યું હતું, પણ તેમણે ચાર-પાંચ દિવસ બાદ પણ કોઈ સારવાર નહોતી કરાવી. દિવસે-દિવસે શ્વાનની પીડા વધી રહી હતી એટલે હું એને પશુઓના ડૉક્ટર પાસે લઈ ગઈ હતી. ડૉક્ટરે એક્સ-રે કઢાવવાની સલાહ આપી. એક્સ-રે કઢાવતાં એના પાછળના બન્ને પગમાં ગંભીર ઈજા જોવા મળી હતી, એટલું જ નહીં એનું પાછળની બાજુનું હાડકું ભાંગી ગયું હોવાનું એક્સ-રેમાં દેખાયું હતું. અંતે સોમવારે મેં ઘટનાની ફરિયાદ બોરીવલી પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી.’
ADVERTISEMENT
વૈભવ અને હિમાંશુને નોટિસ આપવામાં આવી છે એમ જણાવતાં બોરીવલી પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર વિશાલ ઝગડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનામાં મહિલાએ બન્ને સામે આરોપ કર્યો છે કે તેઓએ ક્રિકેટ-બૅટથી શ્વાનની મારઝૂડ કરી હતી. તેની પાસે મેડિકલ પુરાવા પણ છે એટલે અમે બન્ને સામે કેસ નોંધ્યો છે. આ કેસની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.’