જે લોકો પોલીસની હેલ્પ કરતા હોય તેઓ તેમની નજીકના પોલીસ-સ્ટેશનમાં નામ નોંધાવીને પોલીસમિત્ર બની શકશે
રાબોડી પોલીસ-સ્ટેશનના પોલીસમિત્રોને સર્ટિફિકેટ આપવામાં આવ્યાં હતાં
થાણેમાં ચોરી, મારામારી, છેતરપિંડી, હત્યા ઉપરાંત સાઇબર છેતરપિંડી અને ટ્રાફિકની વધતી જતી સમસ્યાને ધ્યાનમાં લઈને થાણેના પોલીસ-કમિશનર આશુતોષ ડુમરેએ તમામ પોલીસ- સ્ટેશનોને સ્થાનિક નાગરિકો સાથે મળીને તેમને પોલીસમિત્ર બનાવવાની સૂચના આપી છે. થાણેના દરેક પોલીસ-સ્ટેશનની હદમાં રહેતાં નાગરિકો, સ્ટુડન્ટો કે પછી મહિલાઓ પોલીસને મદદ કરવા માગતાં હોય તો તેઓ નજીકના પોલીસ-સ્ટેશનમાં પોતાનું નામ નોંધાવીને પોલીસને મદદરૂપ થઈ શકે છે. થાણેના નૌપાડા, રાબોડી અને થાણે નગર પોલીસ-સ્ટેશનમાં પોલીસની મદદ કરવા આગળ આવેલા લોકોને ડેપ્યુટી પોલીસ-કમિશનર (DCP) દ્વારા પોલીસમિત્રનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.
દરેક પોલીસ-સ્ટેશનમાં ૫૦થી વધારે નાગરિકો, સ્ટુડન્ટો અને મહિલાઓને અમારી મદદ કરવા માટે અમે સાથે જોડી રહ્યા છીએ જેમને પોલીસમિત્ર કહેવામાં આવશે એમ જણાવતાં નૌપાડા વિભાગનાં અસિસ્ટન્ટ પોલીસ-કમિશનર (ACP) પ્રિયા ઢાકણેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વર્ષો પહેલાં થાણે અને મુંબઈમાં પોલીસમિત્રનો એટલે કે લોકો પોલીસ સાથે રહીને તેમનું કામ કરી શકે એ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. થાણેની વાત કરીએ તો હજારો લોકો પોલીસ સાથે જોડાયા હતા. જોકે આમાંના કેટલાક લોકો સામે ખંડણી માગવાની, ધમકાવવાની અને ફેરિયાઓ પાસેથી વસ્તુઓ લઈ જવાની ફરિયાદો મળતાં પોલીસમિત્ર ઉપક્રમ બંધ કરી દેવામાં આવ્યો હતો. થાણેમાં નવા આવેલા પોલીસ-કમિશનર આશુતોષ ડુમરેએ ફરી આ ઉપક્રમ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો અને તમામ પોલીસ-સ્ટેશનોને પોતાની હદમાં પોલીસ સાથે રહીને કામ કરી શકતા નાગરિકોને સાથે રાખવા માટે કહેવામાં આવ્યું હતું. આ અનુસાર થાણેમાં નૌપાડા, રાબોડી અને થાણે નગર પોલીસ-સ્ટેશનમાં ૧૫૦ લોકોને શૉર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. આમાંના કેટલાક લોકોનું સર્ટિફિકેટ આપીને સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ કરવાનો હેતુ એવો છે કે બીજા લોકોની પણ ઉત્સુકતા વધે અને તેઓ અમારી સાથે જોડાય.’
ADVERTISEMENT
શું હશે પોલીસમિત્રનું કામ?
તહેવારો અને ચૂંટણીની સ્થિતિમાં ભીડવાળી જગ્યામાં બંદોબસ્ત કરવા અને ટ્રાફિકનું નિયોજન કરવા સાથે વિવિધ કામ પોલીસમિત્રએ કરવાનાં રહેશે એમ જણાવતાં ACP પ્રિયા ઢાકણેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોશ્યલ મીડિયા પર અનેક વાર ખોટી પોસ્ટ વાઇરલ કરવામાં આવતી હોય છે જેને કારણે નાગરિકોને પરેશાની થતી હોય છે. પોલીસમિત્રની મદદથી અમે શું સાચું છે અને શું ખોટું છે એ નાગરિકો સુધી પહોંચાડીશું. ઘોડબંદર અને માજીવાડા વિસ્તાર ઉપરાંત જે વિસ્તારમાં ટ્રાફિક વધુ થાય છે ત્યાં અમે તેમની મદદ લઈશું. ચોરી-ઘરફોડી જેવા ગુનાઓ અટકાવવા માટે પણ અમે તેમની મદદ લઈશું. સાઇબર છેતરપિંડી જેવી ઘટનાઓમાં અવેરનેસ ફેલાવવાનું કામ પણ તેમની પાસે કરાવીશું. એક રીતે તેઓ અમારા ત્રીજા કાન તરીકે કામ કરશે જેથી ગુનાઓને અટકાવવામાં મદદ મળશે. અમારી સાથે જોડાયેલા નાગરિકોને પોતાના સમય અનુસાર અમારી સાથે કામ કરવાની છૂટ આપવામાં આવશે.’