વીમા એજન્ટે વાહનોનો બનાવટી વીમાે ઉતારીને લોકો સાથે કરી છેતરપિંડી : એક મોબાઇલ-નંબર પરથી એક કંપનીમાં ૨૬૭ અને બીજી કંપનીમાં એક જ મોબાઇલ- નંબરથી ૨૬૮ પૉલિસી લેવામાં આવી : પોલીસ આરોપીની શોધમાં
Crime News
મિતેશ મોદી
વસઈમાં એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં વાહનચાલકોને એક જાણીતા કંપનીનો બનાવટી વીમો આપવામાં આવી રહ્યો છે. આ મામલામાં વસઈની માણિકપુર પોલીસે ગુજરાતી ફરિયાદીની ફરિયાદના આધારે એક વાહન એજન્ટ સામે ગુનો દાખલ કર્યો છે. તેણે એક જાણીતા કંપનીના વાહન વીમા દસ્તાવેજોની સાથે છેડછાડ કરીને હજારો નકલી વીમા આપ્યા હોવાનું બહાર આવ્યું છે.
વસઈ-વેસ્ટમાં સાંઈનગરમાં રહેતા અને સામાજિક કામોમાં આગળ પડતા રહેતા ૩૮ વર્ષના મિતેશ મોદીએ ૨૦૨૨ની ૧૪ ઑક્ટોબરે વેહિકલ વીમા એજન્ટ અતુલ નાગડા દ્વારા તેમની હૉન્ડા સિટી ફોર-વ્હીલરનો વીમો કરાવ્યો હતો. આ વીમો એચડીએફસી અર્ગો નામની કંપની પાસેથી લેવામાં આવ્યો હતો. ફેબ્રુઆરીમાં કંપનીએ મિતેશ મોદીને એક પત્ર મોકલીને માહિતી આપી હતી કે વીમાની મુદત સમાપ્ત થઈ ગઈ છે. જોકે એ જ સમયે વીમો કઢાવ્યો હોવાથી મુદત કેવી રીતે પૂરી થઈ ગઈ એ વિશે મિતેશ મોદીએ પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે વીમાના દસ્તાવેજો બનાવટી છે. મિતેશ મોદીએ ફોર-વ્હીલરનો વીમો કઢાવ્યો હતો, પરંતુ કંપનીના સત્તાવાર વીમા દસ્તાવેજોમાં ફેરફાર કરીને ટૂ-વ્હીલરનો વીમો કાઢવામાં આવ્યો હતો. આ વિશે અંદાજ આવતાં મિતેશે આ મામલે વસઈના માણિકપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે અતુલ નાગડા વિરુદ્ધ કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૮ અને ૪૭૧ હેઠળ છેતરપિંડી અને દસ્તાવેજમાં ફેરફારનો કેસ નોંધ્યો હતો.
ADVERTISEMENT
પોતાની સાથે થયેલી છેતરપિંડી વિશે માહિતી આપતાં મિતેશ મોદીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મેં મારા રિક્ષા ચલાવતા મિત્ર હરેન્દ્ર પ્રજાપતિની ઓળખાણથી અતુલ નાગડા પાસેથી મારી ફોર-વ્હીલર માટે પૉલિસી લીધી હતી. હરેન્દ્રએ મને પૉલિસી કઢાવ્યા બાદ એના ડૉક્યુમેન્ટ્સ આપ્યા હતા, પણ એ મિસપ્લેસ થઈ ગયા હતા. એથી અતુલને વારંવાર કહ્યા બાદ પાંચમી નવેમ્બરે મારા વૉટ્સઍપ પર તેણે પૉલિસી મોકલી હતી. છઠ્ઠી ફેબ્રુઆરીએ એચડીએફસી અર્ગો દ્વારા મને નોટિસ આવી કે તમારો વીમો ટૂ-વ્હીલરનો છે અને આરટીઓ રેકૉર્ડ પ્રમાણે તમારી પાસે ફોર-વ્હીલર છે. આ નોટિસ મને મોડી મળી હતી અને નોટિસમાં ૩,૬૨૨ રૂપિયા સાત દિવસમાં ભરવા પડશે એમ કહ્યું હતું. એથી નોટિસ મળે એ પહેલાં મારી પૉલિસી બંધ થઈ ગઈ હતી. એથી નોટિસની માહિતી લેવા મેં કસ્ટમર કૅરમાં ફોન કર્યો હતો. જોકે ત્યાંથી મને જાણ થઈ કે પૉલિસીમાં મારો મોબાઇલ નંબર અને ઈ-મેઇલ આઇડી જુદાં હતાં. એથી હું વીમા કંપનીની વસઈ બ્રાન્ચમાં ગયો હતો. ત્યાં જઈને તપાસ કરતાં મારી કારનો ફોર-વ્હીલરનો વીમો કાઢવાને બદલે ટૂ-વ્હીલરનો વીમો કાઢવામાં આવ્યો છે. જોકે પૉલિસીની માહિતીમાં નામ, ઍડ્રેસ, રજિસ્ટ્રેશન નંબર, એન્જિન નંબર, શૅસિ નંબર એ બધું મારું હતું, પરંતુ બીજી બધી માહિતી જેમ કે ઈ-મેઇલ આઇડી, મોબાઇલ નંબર, વીમાની રકમ ૪૮૦ રૂપિયા એ બધું બોગસ હતું. અતુલે મને વૉટ્સઍપ પર મોકલાવેલો વીમો ટૂ-વ્હીલરનો હતો અને એમાં નામ, ઍડ્રેસ, રજિસ્ટ્રેશન નંબર, શૅસિ નંબર એ બધું મારું હતું તેમ જ ઈ-મેઇલ, મોબાઇલ નંબર એ બધું બ્લૅક હતું. મેં વીમાના ૨,૮૦૦ રૂપિયા ભરેલા અને તેણે મોકલેલી પૉલિસી પર ૪,૨૪૩ રૂપિયા લખ્યા હતા. મને શંકા જતાં મેં અતુલને ફોન કર્યા, પણ તેણે ઉપાડ્યા નહોતા. ત્યાર બાદ વૉટ્સઍપ કરતાં તેણે મને કહ્યું કે હરેન્દ્ર પાસેથી તમે પૉલિસી લીધી છે એટલે તેની સાથે વાતો કરો. મારે નવી પૉલિસી કઢાવવી છે, પરંતુ પૉલિસી એક્ઝિસ્ટ દેખાડી રહ્યા છે. એથી મેં પોલીસમાં લેટર આપ્યો. દરમિયાન મને અનેક ઠેકાણેથી દબાણ આવવા લાગ્યું હતું. ત્યાર બાદ એફઆઇઆર નોંધવામાં આવ્યો ત્યારે તે ફરાર થઈ ગયો હોવાનું જણાયું છે.’
આ ખૂબ મોટું ફ્રૉડ છે એટલે પોલીસે એના મૂળ સુધી જવાની જરૂર છે એમ જણાવીને મિતેશ મોદીએ કહ્યું હતું કે ‘મારા કેસમાં હું વિવિધ ઠેકાણે તપાસ કરું છું અને પોલીસ પણ એની રીતે કરે છે. લગભગ સાડાત્રણસો ડૉક્યુમેન્ટ્સ ફેક મળ્યા છે અને મારી પૉલિસી પર જે એક મોબાઇલ નંબર છે એ જ નંબર ૨૬૭ પૉલિસી પર છે, જ્યારે બજાજની પૉલિસીમાં અતુલનો જ નંબર આશરે ૨૬૮ પૉલિસી પર છે. ત્યાર બાદ હરેન્દ્રએ લીધેલો વીમો તપાસતાં જે બ્રોકિંગ ફર્મમાંથી લીધો હતો એનાં કાગળિયાં પણ બોગસ હોવાનું જણાયું હતું. તે રિક્ષા ચલાવે છે અને તેનો વીમો ટૂ-વ્હીલરનો છે. પોલીસ આ મામલે ઊંડાણથી ઊતરશે તો મોટું ફ્રૉડ બહાર આવશે. વસઈમાં જ ૨૦૦થી વધુ લોકોનાં આવાં કાગળિયાં હોવાનું જણાયું છે.’