સૈફના કથિત હુમલાખોર શરીફુલ ફકીરના પપ્પાએ CCTVમાં દેખાતી વ્યક્તિ તેમનો પુત્ર ન હોવાનું કહ્યા બાદ કોર્ટમાં પણ આ મામલે ચર્ચા : કસ્ટડી પૂરી થવાથી પોલીસે આરોપીને રજૂ કરીને ૨૯ જાન્યુઆરી સુધીની પોલીસ-કસ્ટડી મેળવી
બંગલાદેશી યુવક શરીફુલ ફકીર
સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસીને તેના પર હુમલો કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવેલા બંગલાદેશી યુવક શરીફુલ ફકીરની ગઈ કાલે પોલીસ-કસ્ટડી પૂરી થઈ હતી. આથી પોલીસે આરોપીને ફરી કોર્ટમાં રજૂ કરીને આ મામલામાં હજી તપાસ બાકી હોવાનું કહીને ૨૯ જાન્યુઆરી સુધીની પોલીસ-કસ્ટડી મેળવી હતી. સૈફના બિલ્ડિંગના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજમાં જોવા મળેલો આરોપી અને પોલીસે ધરપકડ કરેલો શરીફુલ ફકીર જુદો હોવાનો દાવો કરીને શરીફુલ ફકીરના પપ્પાએ કહ્યું હતું કે પોલીસે પકડેલો યુવક તેમનો પુત્ર છે, પણ CCTVનાં ફુટેજમાં દેખાયેલો યુવક પોતાનો પુત્ર નથી. આ સિવાય સોશ્યલ મીડિયામાં પણ પકડાયેલો આરોપી અને CCTVમાં દેખાતી વ્યક્તિ એક જ હોય એવું લાગતું ન હોવાની જોરદાર ચર્ચા હોવાથી પોલીસે બન્નેના ચહેરા સરખાવવામાં આવશે એવું ગઈ કાલે કોર્ટમાં કહ્યું હતું.
સૈફ પર હુમલો કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવેલા આરોપી શરીફુલ ફકીર પાસેથી આ કેસસંબંધી હજી કેટલીક માહિતી મેળવવાની બાકી હોવાનું તેમ જ આરોપી તપાસમાં સહયોગ નથી કરી રહ્યો એટલે વધુ સમય તેની કસ્ટડી મેળવવી જરૂરી હોવાનું પોલીસે કોર્ટમાં કહ્યું હતું. આથી જ્યુડિશ્યલ મૅજિસ્ટ્રેટ કે. સી. રાજપૂતે આરોપીને ૨૯ જાન્યુઆરી સુધી પોલીસ-કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો.
ADVERTISEMENT
CCTVમાં દેખાતો યુવક હું નથી
સૈફ પર હુમલો કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવેલા શરીફુલ ફકીરને ગઈ કાલે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે તેણે કહ્યું હતું કે CCTVમાં દેખાતો યુવક હું નથી. આ સાંભળીને મૅજિસ્ટ્રેટ પણ ચોંકી ઊઠ્યા હતા. CCTVનાં ફુટેજમાં દેખાતો યુવક અને આરોપી શરીફુલ ફકીર અલગ વ્યક્તિ છે કે કેમ એની તપાસ પોલીસે કરવી જોઈએ એવો નિર્દેશ મૅજિસ્ટ્રેટે આપ્યો હતો.